ભીના હાથે કૂલરને અડતાં કરંટથી હર્ષિલ ઊછળીને પટકાયો હતો

અમદાવાદ: નવા વાડજની ડીપી સ્કૂલમાં ધોરણ-રના વિદ્યાર્થી હર્ષિલ સોનીના રહસ્યમય મોતમાં પીએમ રિપોર્ટથી નવો વળાંક આવ્યો છે. હર્ષિલનું પીએમ કરનાર સિવિલ હોસ્પિટલના ડોકટરોના અભિપ્રાય મુજબ હર્ષિલને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા હર્ષિલ પટકાતા તેને માથા પર પણ ગંભીર ઇજા થઇ હતી. જોકે મોત વીજ કરંટથી થયું કે પછી માથા પરની ઇજાથી થયુ તેનો ખુલાસો પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ થઇ શકશે. પીએમ અને એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં વિરોધભાસ પણ સામે આવ્યો છે. એફએસએલની ટીમ વોટર કૂલર તથા તેની આજુબાજુની જગ્યાના મેગર સહિતના ટેસ્ટમાં કરંટ લિંક થયાના કોઇ ચિહ્નો મળ્યા ન હતા ત્યારે પીએમ રિપોર્ટના ખુલાયા બાદ હવે એફએસએલ દ્વારા વોટર કૂલરની ફરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઇ વોટર કૂલરને તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયું છે.નવા વાડજ ડીપી હાઇસ્કૂલમાં ધોરણ-રમાં અભ્યાસ કરતો હર્ષિલનું ર૮મી માર્ચના રોજ બપોરે સવા ચાર વાગ્યાના આસપાસ કૂલર પર પાણી પીવા ગયો તે પછી થયું હતું.

ફર્શ પર ફસડાઇ પડેલા હર્ષિલને ગાયત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હર્ષિલના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે શાળા સંચાલકોની બેદરકારીના કારણે વોટર કૂલરમાંથી વીજ કરંટ લાગતા હર્ષિલનું મોત થયું હતું. જ્યારે શાળા સંચાલકોએ હર્ષિલનું મોત ખેંચ આવવાથી થયું હોવાનો બચાવ કર્યો હતો. હર્ષિલની સારવાર કરનાર ગાયત્રી હોસ્પિટલના ડોકટરે હર્ષિલના ડેથ સર્ટીફીકેટમાં મૃત્યુના કારણની સ્પષ્ટતા ન કરતા મામલો ગૂંચવાયો હતો. દરમિયાનમાં એફએસએલના સાયન્ટીફીક ઓફિસર કિશોર શર્માએ ‘સમભાવ મેટ્રો’ને અગાઉ જણાવ્યું હતું કે વોટર કૂલર કે તેની આસપાસ વીજ કરંટ આવ્યો હોય તેવા કોઇ સંકેત મળ્યા ન હતા.

સિવિલ હોસ્પિટલના પોલીસ સર્જન ડો. મહેશ કાપડિયાએ જણાવ્યું છે કે હર્ષિલ જ્યારે કૂલર પાસે પાણી પીવા ગયો ત્યારે તેને હાથ ભીના થયા હતા ભીના હાથ કૂલર ઉપર અડતા તેને કરંટ લાગ્યો હતો તે પટકાયો હતો. જેના કારણે તેના માથા ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેના પોસ્ટમોર્ટમમાં શરીરમાં કરંટ લાગ્યા ના ચિન્હો મળી આવ્યા છે. મોતનું સાચુ કારણ પેથોલોજીકલ લેબના રિપોર્ટ બાદ જાણવા મળશે. પ્રાથમિક તપાસમાં તેના શરીરમાં કરંટ મળી આવ્યો છે. હર્ષિલનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલના ડો.પ્રિતેષ ગાંધી અને ડો.બી.બી. જવેરીએ કર્યું હતું.

પીએમ રિપોર્ટ તારણ બાદ એફએસએલના સાયન્ટીફીક ઓફિસર કિશોર શર્માએ જણાવ્યું છે કે અોનલાઇન ટેસ્ટ મેગર ટેસ્ટમાં કરંટ પકડાયો નથી ત્યારે હવે કૂલરને એફએસએલમાં વૈજ્ઞાનિક પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યુ છે. વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.જી. રાઠોડે જણાવ્યું છે કે હર્ષિલના મોતનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ હજુ પોલીસને મળ્યો નથી રિપોર્ટના આધારે આગળ શું તપાસ કરવી તેની ખબર પડશે.

એફએસએલ અધિકારીઓ કૂલર તથા વાયરીંગનું ટેસ્ટીગ કરીને જે પ્રાથમિક તારણ આપ્યુ હતું અને પોસ્ટમોર્ટના વિરોધાભાસી રિપોર્ટના કારણે મામલો ગૂંચવાયો છે જેના પગલે સ્કૂલમાં કૂલર બદલાઇ ગયું હોવાની ચર્ચા ઉઠી છે. ત્યારે હર્ષિલના પિતા રાજીવ સોનીએ જણાવ્યું છે કે પોલીસ તેની કામગીરી કરી રહી છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી જ મોતનું કારણ જાણવા મળી શકે. હાલ તો કૂલર બદલાઇ ગયું હોય તેવી અમને શંકા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એ.કે. રાઠોડે જણાવ્યું છે હર્ષિલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કરંટથી મોત થયાનો ખુલાસો થશે તો સ્કૂલના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થશે.

You might also like