હર્ષિલનું મોત વીજ કંરટથી નથી થયુંઃ એફએસએલ

અમદાવાદ: નવા વાડજની ડીપી સ્કૂલમાં હર્ષિલ સોની નામના વિદ્યાર્થીનાં રહસ્યમય મોતનો મામલો ટૉક ઓફ ધી ટાઉન બન્યો છે. હર્ષિલના મોતને ગંભીરતાથી લઇને એફએસએલ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસમાં હર્ષિલનું મોત વોટર કૂલર કે કોઇ અન્ય રીતે વીજ કરંટ લાગવાથી ન થયું હોવાનું ખૂલ્યું છે. નવા વાડજ ડીપી હાઇસ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતો હર્ષિલનું સાંજે સવા ચાર વાગ્યાના આસાપાસ વોટર કૂલર પર પાણી પીવા ગયા બાદ રહસ્યમય રીતે ઢળી પડ્યો હતો તેને ગાયત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સાંજે સવા 6 વાગ્યાની આસાપાસ તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

હર્ષિલના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હર્ષિલનું મોત વીજ કરંટથી થયું છે. તેમણે આ માટે શાળાના સંચાલકોને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે શાળાના સંચાલકોએ એવો બચાવ કર્યો હતો કે હર્ષિલનું મોત ખેંચ આવવાથી થયું હતું. અમદાવાદ એફએસએલના સાયન્ટિફિક ઓફિસર કિશોર શર્માએ ગઇ કાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે વોટર કૂલરનો ઓનલાઇન તથા મેગર ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટમાં કોઇ પણ જગ્યાએ વીજ કંરટ આવતો હોવાનું જણાયું ન હતું.

કિશોર શર્માએ જણાવ્યું હતું કે અમે ઓનલાઇન ટેસ્ટ કર્યો હતો. વોટર કૂલરને ચાલુ કર્યા પછી કૂલરના નળ, કૂલરની બોડી, અને પાણીને ટેસ્ટર મશીન દ્વારા ચેક કર્યાં હતાં. જેમાં ક્યાંય કરંટ હોવાનું જણાયું ન હતું. આ સિવાય અમે મેગર ટેસ્ટ કરાવ્યો છે સરકારી ઇન્સ્પેક્ટર દ્વારા ટેસ્ટ કરાવ્યો છે. મેગર ટેસ્ટ દ્વારા છેલ્લા ૪૪ કલાકમાં કોઇપણ વસ્તુમાં વીજ કરંટ પસાર થયો હોય તો તેની ખબર પડે છે. કૂલરના મુખ્ય વાયરની થ્રી પિન કાઢી કયાં પિનમાં કરંટ આવ્યો હતો તેનું ટેસ્ટિંગ આ મશીન દ્વારા કરવામાં આવ્યું હતું જોકે તે ટેસ્ટ માં પણ ક્યાંય કરંટ મળી આવ્યો નથી.

હર્ષિલનું મોત વીજ કરંટથી નથી થયું તેવો ખુલાસો એફએસએલ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે રિપોર્ટથી હર્ષિલનું મોતનું કારણ જાણવા મળશે. હર્ષિલનાં શરીરમાંથી કેટલાંક સેમ્પલ પેથોલોજિકલ લેબમાં મોકલી આપવામાં આવ્યા કોઇ પણ વ્યકિત ખેંચ, ટીબી કે પછી અન્ય રોગોથી મૃત્યુ પામે તો તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે શરીરના કેટલાક એચપીઇ લેબમાં મોકલી અપાય છે એક સપ્તાહ બાદ હર્ષિલનાં મોતનું સાચું કારણ સામે આવશે.

વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી.રાઠોડે જણાવ્યું છે કે હર્ષિલનાં મોતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. એફએસએલ રિપોર્ટ પણ નથી આવ્યો, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ નથી આવ્યો એક અઠવાડિયા પછી રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ જાણી શકાશે

આ મુદ્દે હર્ષિલની સારવાર કરનાર ગાયત્રી હોસ્પિટલના ડોક્ટર કેયૂર શાહે જણાવ્યું છે કે હર્ષિલને લાવ્યા ત્યારે ખાલી તેનાં હ્રદયના ધબકારા ચાલુ હતા તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. અને ગણતરીના સમયમાં તેનું મોત નિપજ્યું હતું માટે તેના મોતનું ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી. એટલે અમે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા જણાવ્યુ હતું.

ડી.પી.સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ
હર્ષિલનાં મોતની પાછળનાં તમામ આધારભૂત કારણો સાથેનો રિપોર્ટ બે દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી એ.કે.રાઠોડને મળે તે માટે ડી.પી.સ્કૂલના સંચાલકને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી એ.કે.રાઠોડે જણાવ્યું છે કે ડી.પી.સ્કૂલમાં જે બનાવ બન્યો છે તેની વિગતવાર અને આધારભૂત કારણો સાથેનો તમામ રિપોર્ટ અમે મગાવ્યો છે જેના આધારે હકીકત શી છે તે જાણી શકાશે અને લાગશે તો યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.

You might also like