હર્ષિલ સોનીનાં મોત અંગેનો FSL રિપોર્ટ લેવા જવાનો પોલીસને સમય નથી

અમદાવાદ: શહેના નવા વાડજની ડીપી સ્કૂલમાં હર્ષિલ સોની નામના વિદ્યાર્થીનાં મોતના ચકચારી કિસ્સાને 25 દિવસ થઇ ગયા તેમ છતાંય તેનાં મોતનું સાચું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. એફએસએલનાં સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર એફએસએલ એ હર્ષિલનો વિસેરા રિપોર્ટ તૈયાર કરી દીધો છે. પરંતુ હજુ સુધી પોલીસને આ રિપોર્ટ લેવાનો સમય મળ્યો નથી.

નવા વાડજ ડીપી હાઇસ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતો હર્ષિલ 28મી માર્ચના રોજ બપોરે સવા ચાર વાગ્યાની આસાપાસ વોટર કૂલર પર પાણી પીવા ગયો ત્યારે પટકાયો હતો. હર્ષિલને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. સ્કૂલના સંચાલકો સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો તથા હર્ષિલના માતા પિતાના અલગ અલગ નિવેદનોથી આ કેસ વધુ ગૂંચવાયો છે. હર્ષિલનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પ્રીતેષ ગાંધી તથા ડોકટર બી.બી.ઝવેરીએની ટીમે કર્યું હતું.

સિવિલ હોસ્પિટલના પોલીસ સર્જન ડોક્ટર મહેશ કાપડિયાએ અગાઉ જણાવ્યું હતું કે હર્ષિલ જ્યારે કૂલર પાસે પાણી પીવા ગયો ત્યારે તેને હાથ ભીના થયા હતા અને તે ભીના હાથ તેને કૂલર ઉપર અડતાં તેને કંરટ આવ્યો અને તે પછડાયો હતો. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. તેનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના શરીરમાં કરંટ લાગ્યાે હોવાનાં ચિન્હો મળી આવ્યાં હોવાનો ખુલાસો કર્યો હતો.

વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી.રાઠોડે જણાવ્યું છે કે હર્ષિલની મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. તેમાં પેન્ડિંગ ઓન વિસેરા રિપોર્ટ લખ્યું છે. એફએસએલના વિસેરા રિપોર્ટ પછી હર્ષિલનાં મોતનું સાચું કારણ જણાવા મળશે . જોકે હજુ સુધી એફએસએલ રિપોર્ટ આવ્યો નથી.

You might also like