IPLમાં ધોનીનું સમર્થન કરનારા રાયડુ સામે હર્ષ ગોએન્કાએ બદલો લીધો

નવી દિલ્હીઃ આઇપીએલની દસમી સિઝન દરમિયાન મહેન્દ્રસિંહ ધોની પર પોતાની ટિપ્પણીઓ દ્વારા મીડિયામાં ઝળકેલા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા હવે ક્રિકેટર અંબાતી રાયડુ પર ટ્વિટ કરીને સમાચારોમાં ઝળક્યા છે. હર્ષ ગોએન્કા રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના માલિક સંજીવ ગોએન્કાના ભાઈ છે અને આઇપીએલ-૧૦ દરમિયાન ધોની પર પોતાના ટ્વિટને લઈને તેઓ સમાચારોમાં આવ્યા હતા. ધોનીની ટીકા કર્યા બાદ હર્ષ ગોએન્કા માહીના ચાહકોના ગુસ્સાનો શિકાર બન્યા હતા. એ દરમિયાન ટીમ ઇન્ડિયા તરફથી ૩૪ વન ડે રમી ચૂકેલા અંબાતી રાયડુએ પણ હર્ષ ગોએન્કાને ટાર્ગેટ કરીને ટ્વિટમાં લખ્યું હતું, ”ગ્રેટ નોક એમ. એસ. ધોની… શું કોઈ એચ. વી. ગોએન્કાને મિરર ગિફ્ટ કરી શકે છે? ”

કદાચ રાયડુ એ સમયે નહોતો જાણતો કે આ ટ્વિટનો ઉપયોગ થોડા મહિના બાદ તેની સામે આ રીતે થશે. હર્ષ ગોએન્કાએ તાજેતરમાં જ રાયડુના કાર એક્સિડન્ટ અને મારપીટ પ્રકરણની મજાક ઉડાવી. તેણે ટ્વિટ કરતાં લખ્યું, ”ગ્રેટ નોટ અંબાતી રાયડુ, શું કોઈ આને મિરર ગિફ્ટ કરી શકે છે?”

ઉલ્લેખનીય છે કે રાયડુને તાજેતરમાં એ સમયે એક સિનિયર સિટીઝન સાથે ઝઘડો થયો હતો, જ્યારે તે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તરફ જઈ રહ્યો હતો. રાયડુ બહુ ઝડપથી કાર ચલાવી રહ્યો હતો એ અંગે એક સિનિયર સિટીઝને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ રાયડુ ગુસ્સે થયો હતો અને તેણે ગાડીમાંથી ઊતરી, ગાળાગાળી કરીને એ સિનિયર સિટીઝનને મુક્કો પણ મારી દીધો હતો. આ સમગ્ર પ્રકરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો અને હર્ષ ગોએન્કાને રાયડુ સામે બદલો લેવાની તક મળી ગઈ.

You might also like