કાંગારુંઓનો કચ્ચરઘાણ કાઢી નાખનારી હરમનને ડર્બીશાયરનું મેદાન નાનું પડ્યું

નવી દિલ્હીઃ ”મ્હારી છોરિયાં છોરોં સે કમ હૈ કે?” ફિલ્મ ‘દંગલ’નો આ ડાયલોગ તમને યાદ છે? મહિલા વિશ્વકપ શરૂ થવાના પાંચ દિવસ પહેલાં ભારતીય મીડિયામાં ચમકી હતી. મીડિયામાં એવું કહેવાયું હતું કે હરમન કૌર દિગ્ગજ ટીમોને ભારે પડી શકે તેમ છે. ગઈ કાલે થયું પણ એમ જ. મહિલા વિશ્વકપના મહત્ત્વપૂર્ણ સમિફાઇનલ મુકાબલામાં હરમને દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઐતિહાસિક સદી ફટકારી દીધી. કાંગારું બોલિંગનો કચ્ચરઘાણ કાઢી નાખતાં હરમનપ્રીત કૌરે ફક્ત ૧૧૫ બોલનો સામનો કરીને અણનમ ૧૭૧ રન ઝૂડી કાઢ્યા. આ દરમિયાન તેણે ૨૦ ચોગ્ગા અને સાત છગ્ગા પણ ફટકાર્યા. હરમન જે નિર્દયતાથી ઓસ્ટ્રેલિયન બોલરને ફટકારતી હતી એ જોઈને ગઈ કાલે એવું લાગ્યું હતું કે હરમનને ડર્બીનું મેદાન પણ સાવ નાનું લાગી રહ્યું છે.

હરમનપ્રીત કૌરે વિશ્વની નંબર ટીમ ઓસ્ટ્રેલિયા સામે મહિલા વિશ્વકપની સેમિફાઇનલમાં યાદગાર ઇનિંગ્સ રમી. પહેલાં બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે વરસાદને કારણે ૪૨ ઓવરની કરાયેલી મેચમાં ચાર વિકેટ ગુમાવીને ૨૮૧ રન ઝૂડી કાઢ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૦.૧ ઓવરમાં ૨૪૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ફાઇનલમાં ભારતની ટક્કર યજમાન ઈંગ્લેન્ડ સામે આગામી રવિવારે થશે.

વીરુની ફેન છે હરમનપ્રીત
૨૮ વર્ષીય હરમનપ્રીત કૌર ભુલ્લર ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની ફેન છે અને તેની જેમ જ તે હંમેશાં બેટિંગ કરવા ઇચ્છે છે. આ વિશ્વકપ પહેલાં તે ૬૯ વન ડેની ૫૮ ઇનિંગ્સમાં ૧૬૬૬ બનાવી ચૂકી હતી અને આ દરમિયાની તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ ૧૦૭ રનની રહી હતી અને તેણે બોલિંગમાં હાથ અજમાવતાં ૧૪ વિકેટ પણ ઝડપી હતી.

વિસ્ફોટક બેટિંગથી અલગ ઓળખ બનાવી
હરમનપ્રીતને પહેલી વાર ૨૦૧૦માં મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે રમતાં નવી ઓળખ મળી હતી. એ મેચમાં હરમને ૨૯ બોલમાં ૩૩ રનની ઇનિંગ્સ રમી હતી ત્યારથી તે બધાંની નજરમાં ચડી ગઈ હતી. હરમનપ્રીતે મૈસૂરમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે એક જ ટેસ્ટમાં નવ વિકેટ ઝડપીને બધાંનાં દિલ જીતી લીધાં હતાં. ગત વર્ષે જાન્યુઆરીમાં હરમનના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર વન ડે શ્રેણીમાં માત આપી હતી. એ શ્રેણીની પહેલી મેચમાં ૩૧ બોલમાં ૪૬ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને પછી સિડનીમાં રમાયેલી અંતિમ વન ડેમાં ૧૭ બોલમાં ૨૪ રન બનાવ્યા હતા.

વર્તમાન મહિલા વિશ્વકપમાં અત્યાર સુધી…
આ મહિલા વિશ્વકપમાં હરમનપ્રીત કૌરનું બેટ શરૂઆતની કેટલીક મેચમાં શાંત રહ્યું હતું, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ સામે તેણે ૬૦ રનની ઇનિંગ્સ રમીને પોતાનો દમ દેખાડી દીધો હતો.
• પહેલી મેચઃ ઈંગ્લેન્ડ સામે ૨૪ રન.
• બીજી મેચઃ વિન્ડીઝ સામે બેટિંગ ના કરી, પરંતુ બે વિકેટ ઝડપી.
• ત્રીજી મેચઃ પાકિસ્તાન સામે ૧૦ રન બનાવ્યા, એક વિકેટ ઝડપી.
• ચોથી મેચઃ શ્રીલંકા સામે ૨૦ રન.
• પાંચમી મેચઃ દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ ના કરી, પરંતુ બે વિકેટ ઝડપી.
• છઠ્ઠી મેચઃ ઓસ્ટ્રેલિયા સામે ૨૩ રન.
• સાતમી મેચઃ ન્યૂઝીલેન્ડ સામે (ક્વાર્ટર ફાઇનલ) ૬૦ રન
• આઠમી મેચઃ ઓસ્ટ્રેલિયા સામે (સેમિફાઇનલ) ૧૭૧ રન.
http://sambhaavnews.com/

You might also like