બિગ બેશ લીગમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની

નવી દિલ્હી : ભારતીય વિમેન્સ ટીમની ઓલરાઉન્ડર ખેલાડી હરમનપ્રીત કૌર વિદેશી ટી-20 ફ્રેન્ચાઇઝી સાથે કરાર કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઇ છે. હરમનપ્રીતે મહિલા બિગ બૈશ લીગ ચેમ્પિયન સિડની થંડર્સ તરફથી ઓસ્ટ્રિલેયા ટી-20 લીગના બીજા સત્રમાં રમવા માટે કરાર કર્યો છે.

બીસીસીઆઇ તરફથી આ મહિને મહિલા ક્રિકેટર્સોને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી બાદ હરમનપ્રીત કૌર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે જેણે વિદેશી ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે હરમનપ્રીત સાથે થંડર ટીમે કરાર કર્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન હરમનપ્રીતને ત્રણ ટીમ તરફથી રમવાની ઓફર મળી હતી. જેમાં પહેલા સત્રમાં વિજેતા બનેલી સિડની સિકસર્સનો પણ સમાવેશ થાય છે. પરંતુ હરમનપ્રીતે થંડર ટીમને પસંદ કરી છે. ભારતીય મહિલા ટીમે વર્લ્ડ ટી-20 પહેલા ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત બંને દેશો વચ્ચેની ટી-20 શ્રેણી 2-1થી જીતી હતી. જેમાં હરમનપ્રીતે પ્રથમ મેચમાં 31 બોલમાં 46 રન બનાવ્યા હતા. વર્લ્ડ ટી-20માં ભારતીય ટીમનો નિરાશાજનક દેખાવ રહ્યો હોવા છતાં હરમનપ્રીતે 4 મેચમાં 89 રન બનાવી સાત વિકેટ પણ ઝડપી હતી.

You might also like