હરીશ રાવત હવે ઉત્તરાખંડ વિધાનસભાનું વિસર્જન કરશે?

ઉત્તરાખંડમાં થોડા મહિનાઓ પછી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. એ પહેલાં કોંગ્રેસના નવ બળવાખોર ધારાસભ્યોના સહારે રાજ્યમાં સત્તા કબજે કરવાના ભાજપના ઉધામાને આખરે દસમી મેના શક્તિ પરીક્ષણમાં કારમી શિકસ્ત મળી છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણય અને નિર્દેશો અનુસાર યોજાયેલા આ શક્તિ પરીક્ષણનાં સત્તાવાર પરિણામ સર્વોચ્ચ અદાલતમાં બીજા દિવસે ૧૧મી મેના રોજ જાહેર થાય એ પહેલાં જ હરીશ રાવતની સરકારના વિજયના દાવા કરતાં વધુ મહત્ત્વની વાત ભાજપ દ્વારા પરાજયના સ્વીકારની હતી.

આવો પરાજય સ્વીકારતી વખતે ‘સૈદ્ધાંતિક વિજય અમારો છે’ એવું કહેવાથી પરિસ્થિતિમાં કોઈ તાત્ત્વિક ફરક પડતો નથી. ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતા રહેલા રાજકીય દ્વંદ્વમાં કોંગ્રેસ કે ભાજપ-કોઈ પક્ષ દ્વારા સૈદ્ધાંતિક લડાઈ લડવામાં આવી નથી. બલકે કહેવું જોઈએ કે આ જંગમાં લોકતાંત્રિક પ્રણાલીઓનો જ સૌથી વધુ ભોગ લેવાયો છે. ભાજપના પક્ષે ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે હરીશ રાવતની સરકારને ઉથલાવવાની ઉતાવળ ભાજપ કરતાં કોંગ્રેસના બળવાખોરોને વધારે હતી.

હરીશ રાવતને કારણે મુખ્યપ્રધાન પદથી વંચિત રહી ગયેલા કોંગ્રેસના નેતાની બદલાની ભાવના તેમને પોતાના જૂથ સાથે ભાજપ તરફ ખેંચી ગઈ હતી. મહિનાઓ પહેલાંથી ચાલતી આવી હિલચાલની ઉપેક્ષા કરવાનું રાજ્ય સરકાર અને કોંગ્રેસ મોવડીમંડળને ભારે પડ્યું હતું. બજેટ પસાર કરતી વખતે સરકારને પાડી દેવાનો વ્યૂહ ભાજપનો હતો. પણ વિધાનસભાના અધ્યક્ષની ચતુરાઈએ એ વ્યૂહને નિષ્ફળ બનાવ્યો અને ભાજપનો વ્યૂહ ક્ષતિપૂર્ણ હોવાનું પુરવાર થયું. પક્ષના અસંતુષ્ટો કે બળવાખોરોની વાત ધરાર નહીં સાંભળવાની કોંગ્રેસના મોવડીમંડળની જીદે પણ ઉત્તરાખંડમાં રાજકીય કટોકટી સર્જવામાં પાયાની ભૂમિકા ભજવી હોવાનું સ્વીકારવું જોઈએ.

વિધાનસભામાં શક્તિ પરીક્ષણ પછી રાજ્યમાં કોંગ્રેસની સરકાર યથાવત્ રહી છે, પરંતુ અનેક દિવસોના રાજકીય ડ્રામાથી કોંગ્રેસ અને ભાજપ બંનેની પ્રતિષ્ઠાને હાની પહોંચી છે. સૌથી વધુ કફોડી હાલત નવ બળવાખોર ધારાસભ્યોની થઈ છે. વિધાનસભાના ફ્લોર પર શક્તિ પરીક્ષણમાં આ નવ સભ્યોના મતાધિકારનો અદાલતે ઈનકાર કર્યો એ વખતે જ ભાજપના પરાજયની સંભાવના સુનિશ્ચિત બની હતી. હવે આ નવ સભ્યોના વિધાનસભા ગૃહમાં સ્ટેટસનો મુદ્દો મહત્ત્વનો બનશે.

અત્યારે બરતરફ ગણાતા આ સભ્યોનું સભ્યપદ રદ થાય તો અલગ વાત છે, અન્યથા તેમને અલગ જૂથ તરીકે માન્યતા મળે તો હરીશ રાવતની સરકારની હાલત કફોડી બનવાની છે. આવી સ્થિતિમાંથી બચવા માટે મુખ્યપ્રધાન હરીશ રાવત વિધાનસભાના વિસર્જનની ગમે ત્યારે ભલામણ કરે એવી શક્યતા છે. રાજકીય
વ્યૂહની દ્રષ્ટિએ પણ એ પગલું તેમના માટે શ્રેષ્ઠ બની રહે તેમ છે.

ઉત્તરાખંડના મામલામાં પહેલી વાર એવું બન્યું કે વિધાનસભામાં શક્તિ પરીક્ષણ માટે માત્ર બે કલાક માટે રાષ્ટ્રપતિ શાસનનો અમલ મોકૂફ રખાયો. રાજ્યોમાં સર્જાતી રાજકીય કટોકટીના નિરાકરણમાં આ એક અનોખું ઉદાહરણ બની રહેશે. થોડા મહિના માટે સત્તા કબજે કરવાનો ભાજપનો પ્રયાસ સફળ ન થતાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી સ્થિતિ સર્જાશે. હરીશ રાવતના પક્ષે લોકોની સહાનુભૂતિનો માહોલ છે. કોંગ્રેસના બળવાખોરો ભાજપ માટે આફત રૂપ બની રહે તેવી પણ સંભાવના છે.

ઉત્તરાખંડ ભાજપ પહેલેથી જ જૂથબંધીની સમસ્યાથી ઘેરાયેલો રહ્યો છે. કોંગ્રેસના બળવાખોર સભ્યોને કારણે પ્રદેશ ભાજપમાં નવા ઝઘડા, નવી સમસ્યા અને નવાં સમીકરણો ઊભાં થયા છે. કોંગ્રેસના નવ બળવાખોર સભ્યો વચ્ચે પણ એટલા જ ઉગ્ર મતભેદો પ્રવર્તે છે. આ મતભેદો હવે તેમના ઉદ્દેશમાં નિષ્ફળતાના સંજોગોમાં વધુ ઉગ્ર સ્વરૂપે સપાટી પર આવશે.

આ બળવાખોરોને એક જૂથમાં ટકાવી રાખનારું એકમાત્ર પરિબળ હતું હરીશ રાવતનો વિરોધ. શક્તિ પરીક્ષણ પછી નવા સંજોગોમાં તેમની એકતાની પણ કસોટી થવાની છે. બહુમતીનો નિર્ણય તો વિધાનસભાના ફ્લોર પર જ થવો જોઈએ એવા સર્વોચ્ચ અદાલતના સૈદ્ધાંતિક વલણ અને વ્યવહારુ નિર્દેશોને પગલે ઉત્તરાખંડની રાજકીય કટોકટીનું નિરાકરણ લાવી શકાયું છે એ સ્વીકારવું રહ્યું.

You might also like