‘હેરિડો’ યુવાનોના હેર પર છવાઈ

ફેશનની બાબતમાં બોલિવૂડ સ્ટાર્સ અને સ્પોર્ટ્સમેનને ફૉલો કરે છે યુવાનો. તેમની કપડાં પહેરવાની સ્ટાઇલ હોય કે પછી હેરસ્ટાઇલ, એ તમામને યુવાનો પસંદ કરે છે. ભલે સલમાન ૫૦ વર્ષનો હોય પરંતુ તેની સ્ટાઇલ અને ફેશનસેન્સ ગજબની છે. જેને આજના યુવાનો બરોબર અનુસરે છે. સલમાન ખાને હાલમાં જ તેના માથાના વાળમાં ‘હેરિડો’ હેરસ્ટાઇલ કરાવી છે. ત્યારે આ હેરકટ યુવાનોમાં મોસ્ટ ફેવરિટ બની ગઇ છે. જોકે સ્પોર્ટ્સ વર્તુળમાં આ સ્ટાઇલ રોનાલ્ડોએ પણ કરાવી છે.

હેરસ્ટાઇલિસ્ટ રાકેશ પંચાલ કહે છે કે, “યુવાનો સ્ટાઇલની બાબતમાં સમયની સાથે તાલ મિલાવી રહ્યા છે ત્યારે હાલ સલમાનની સુલતાન સ્ટાઇલની મૂછ સાથે હેરિડો હેરસ્ટાઇલનો ક્રેઝ વધી રહ્યો છે. ‘હેરિડો’ હેરસ્ટાઇલમાં માથાના સાઇડના ભાગમાં ઝીરોકટ કરવાના હોય છે. જ્યારે ઉપરના ભાગમાં જ વાળ રાખવાના હોય છે. આ જ સ્ટાઇલ હાલમાં ફૂટબોલ પ્લેયર રોનાલ્ડોએ પણ કરાવી છે. આ સિવાય સમયની સાથે યુવાનો લોંગ હેર, હૂડો શેઇપ, બ્લન્ટ લુક જેવી વિવિધ હેરસ્ટાઇલ કરાવી રહ્યા છે. યુવાનો અલગ અને સ્ટાઇલિસ્ટ દેખાવા માટે અવનવા એક્સપરિમેન્ટ કરતા અચકાતા નથી. એટલે જ તો હાલ સલમાનની હેરિડો ઈન ટ્રેન્ડ છે. ”

રેહાન શાહ કહે છે કે, “હું સમયાંતરે મારા વાળમાં વિવિધ પ્રકારની સ્ટાઇલ કરાવતો રહું છું. ખાસ કરીને સલમાન ખાનની હેરસ્ટાઇલને વધારે ફૉલો કરું છું. હાલમાં જ સલમાનની હેરિડો સ્ટાઇલ મેં વાળમાં કરાવી છે. મને મારા મિત્રો તરફથી આ હેરસ્ટાઇલની સારી કૉમેન્ટ મળી છે. કૉલેજમાં આ રીતે નવતર પ્રયાસ કરી શકાય છે એટલે જ મેં આ હેરસ્ટાઇલ કરાવી છે.”

યુવાનો અલગ અને આકર્ષક દેખાવા માટે બે પ્રકારનાં જ પરિવર્તન કરી શકે છે. જેમાં એક તો તેમની દાઢી અને બીજા તેમના વાળ. સતત નવી સ્ટાઇલ અને ફેશન સાથે અપગ્રેડ થતા રહેવાનું યુવાનો પસંદ કરી રહ્યા છે. અમીત શાહ કહે છે કે, “યુરો કપમાં રોનાલ્ડોની હેરિડો સ્ટાઇલ મને ખૂબ જ પસંદ આવી. તેથી જ મેં તે કટ મારા વાળમાં પણ કરાવી છે. વળી મારાં હાઇટબોડી પણ રોનાલ્ડો જેવાં છે અને હું ફૂટબોલનો ખૂબ જ ક્રેઝી છું. હું મોટે ભાગે રોનાલ્ડોની દરેક હેરસ્ટાઇલને ફૉલો કરું છું. એટલે જ મેં મારા માથામાં હેરિડો સ્ટાઇલ કરાવી છે.”

આજનો સમય ફેશન અને ટ્રેન્ડનો છે. ત્યારે તેમાં સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે. આમ પણ છોકરીઓ સારા દેખાતા છોકરાઓ સાથે જ ફ્રેન્ડશિપ કરે છે. ત્યારે સમય સાથે દેશી લુકમાંથી બહાર આવવા માટે છોકરાઓ અવનવા પ્રયાસ કરી રહ્યા છે અને એટલે જ હેરિડો સ્ટાઇલ દરેક યુવાનોના માથે છવાઈ ગઇ છે.

પૂર્વી દવે વ્યાસ

You might also like