મહેનતથી લક બદલી શકાય છે: રકુલ પ્રીત

તેલુગુ ફિલ્મોમાંથી બોલિવૂડમાં પ્રવેશનારી રકુલ પ્રીત સિંહ છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મોમાં વધુ એક્ટિવ હતી. અચાનક તેણે હિંદી ફિલ્મમાં આવવાનો પ્લાન કર્યો. તે કહે છે કે મેં સાઉથની ફિલ્મ કરવાનો કોઇ પ્લાન બનાવ્યો ન હતો, પરંતુ મને ફિલ્મની ઓફર મળી તો મેં તે કરી લીધી. જ્યારે ‘ઐયારી’ ફિલ્મ ઓફર થઇ ત્યારે નક્કી કર્યું કે હું તે ફિલ્મ કરીશ.

મેં ક્યારેય કશું પ્લાન કર્યું નથી. હું એટલું જરૂર કહીશ કે આજે મને અભિનેત્રીનો જે ખિતાબ મળ્યો છે તે ખિતાબ અને ઇજ્જત મને સાઉથના લોકોએ આપી છે. હું તેમની આભારી છું અને હંમેશાં રહીશ. સાઉથ અને બોલિવૂડમાં રકુલનો ફેવરિટ એક્ટર કોણ છે તે અંગે વાત કરતાં તે કહે છે કે સાઉથમાં મને અલ્લુ અર્જુન પસંદ છે અને બોલિવૂડમાં મને રણવીરસિંહ પસંદ છે. આ બંને મને એટલે ગમે છે, કેમ કે તેમનામાં ખૂબ જ એનર્જી છે અને તેમની પર્સનાલિટી પણ ઘણી સારી છે. આ ઉપરાંત આ બંને ઘણા રિયલ પણ છે. રિયલ લોકો મને પસંદ પડે છે.

કિસ્મત અંગે વાત કરતાં રકુલ કહે છે કે કોઇ પણ વ્યક્તિ માટે લક મહત્ત્વનું હોય છે, પરંતુ તમારું હાર્ડવર્ક હોય અને ઇન્ટેશન સાચાં હોય તો તમારી કિસ્મત પણ બદલી શકાય છે. જો તમારા વિચારો નેગેટિવ હોય તો તમે કંઇ પણ કરી શકતા નથી. જો તમે તમારું કામ યોગ્ય રીતે કરશો તો તમારે લકને ફોલો કરવું જ પડશે. જો હું મહેનત નહીં કરું અને મારા લકને દોષી ઠેરવીશ તો તે ખોટું હશે.

રકુલ અભિનેત્રી ઉપરાંત એક બિઝનેસ વુમન પણ છે. તે હૈદરાબાદમાં ત્રણ જિમ ચલાવી રહી છે. તે કહે છે કે હું બાળપણથી જ ખૂબ જ એક્ટિવ અને મહેનતુ રહી છું. હંમેશાં રિયાલિટીની નજીક રહી છું. મારા મગજમાં હજુ એ વાત આવી નથી કે હું એક અભિનેત્રી છું.

You might also like