પરેશ ધાનાણીને મુખ્યપ્રધાન બનાવવાની માગણી હાર્દિકનો અંગત અભિપ્રાય

અમદાવાદ: પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલે ગઇ કાલે અમરેલીમાં જાહેર સભાને સંબોધતી વખતે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊઠી છે. કેટલાક કોંગ્રેસના અગ્રણીઓમાં પણ છૂપો ગણગણાટ ફેલાયો છે, જોકે આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલને પૂછતાં તેઓ કહે છે કે લોકશાહીમાં કોઇને પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની છૂટ છે.

હાર્દિક પટેલ દ્વારા અમરેલીમાં અનામત તથા ખેડૂતોની સમસ્યા સંદર્ભે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર પરેશ ધાનાણીને તેઓ ધારાસભ્યના ઉમેદવાર નહીં, પરંતુ મુખ્યપ્રધાનપદના ઉમેદવાર છે તેમ જણાવાયું હતું. વધુમાં તેણે ખેડૂતના દીકરાને મુખ્યપ્રધાન બનાવવાે જોઇએ તેવું નિવેદન કરતાં સમગ્ર રાજ્યનાં રાજકીય વર્તુળોમાં ગરમાવો ફેલાયો છે.

કોંગ્રેસના કેટલાક અગ્રણીઓમાં હાર્દિક પટેલની કોંગ્રેસ જીતશે તો પરેશ ધાનાણી મુખ્યપ્રધાન હશે તે પ્રકારની જાહેરાતથી છૂપો ગણગણાટ જોવા મળ્યો છે. આ અંગે પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને વ‌િરષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલનો ફોન પર સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં કોઇને પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની છૂટ છે.

હું મુખ્યપ્રધાનપદની રેસમાં નથી. વ્યક્તિ કરતા પ્રજાની વિચારધારા મહત્ત્વની છે. મુખ્યપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય પક્ષ કરશે. પરેશ ધાનાણી યુવાન છે, સક્ષમ છે અને મારા મિત્ર છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

You might also like