ચૂંટણી લડવા માગતા હાર્દિકને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો

લોકસભાની ચૂંટણી લડવા માગતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રાયોટિંગના કેસમાં થયેલી બે વર્ષની સજામાં દોષમુક્ત કરવાની માગણી સાથે હાર્દિક પટેલે કરેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરીને ૪ એપ્રિલ પર સુનાવણી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૪ એપ્રિલે ગુજરાત લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. સુપ્રીમ કોર્ટ ૪ એપ્રિલે શું ચુકાદો આપે છે તેના પર હવે બધાની નજર રહેશે. લોકસભાની ચૂંટણી લડવા માટે દોષ મુક્ત કરવાની માગ સાથેની હાર્દિક પટેલની અરજી હાઇકોર્ટે ફગાવી દેતાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં હતો. હાર્દિકે હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં હાર્દિકે પડકાર્યો હતો. જેની આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

વીસનગર ખાતે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં તેને વીસનગર કોર્ટે દોષી ઠેરવ્યો હતો. આ મામલો વર્ષ ૨૦૧૫ જુલાઈમાં બન્યો હતો. વર્ષ ૨૦૧૮માં જુલાઈમાં કોર્ટે હાર્દિક સહિત ત્રણને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી. હાર્દિકે હાઇકોર્ટમાં નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો. હવે હાઇકોર્ટમાં પણ હાર્દિકને આ મુદ્દે રાહત નહીં મળતાં તેને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેની વધુ સુનાવણી હવે ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે થશે જે હવે હાર્દિક ચૂંટણી લડશે કે કેમ તે અંગેનું તેનું ભાવિ નક્કી કરશે.

You might also like