હાર્દિક વડાલીમાં ભાન ભૂલ્યો, નીતિન પટેલને ‘ફાટેલા સ્પીકર’ તો અમિત શાહને ‘ગુંડા’ કહ્યા

વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપને આ વખતે પછાડવા માટે હાર્દિક પટેલે અનામતની માંગના મુદ્દે ગુજરાતમાં ઠેરઠેર સભાઓ યોજી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં હાર્દિક પટેલનું ખેડૂત વેદના સંમેલન યોજાયું હતું. હાર્દિકે અમિત શાહ અને મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

તેણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપને 80થી એક પણ સીટ વધુ નહી મળે. દર પાંચ વર્ષે આપણે જેમ બળદ જુના થાય તેમ બદલી નાખીએ છીએ, તેમ આ વખતે આપણા પર રાજ કરતા બળદિયાઓને બદલી નાખવા જોઇએ. અમિત શાહ જેવા ગુંડા અને લુખ્ખાની પાર્ટીમાં આપણે પહેલા ન હતા એમ કહીને શાહ પર પ્રહારો કર્યા હતા.

સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના કેસરગંજ ખાતે હાર્દિક પટેલે ખેડૂત વેદના સંમેલન યોજ્યું હતું. જેમાં હાર્દિકે અમિત શાહ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ઉપરાંત હાર્દિકે મને આચારસંહિતાની કોઈ બીક નથી, તેવું પણ કહ્યું હતું.

આ સંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને આ સભામાં સત્તારૂઢ સરકારને પછાડવાની જ વાત કરવામાં આવી હતી. હાર્દિકે કહ્યું હતું કે, હું પટલાણીના પેટે જન્મ્યો છું. મને મોદી અને રૂપાણીના જેમ બોલતા આવડતુ નથી. જે બોલુ છું એ સત્ય જ બોલું છું. એટલું જ નહીં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તો હાર્દિકે ફાટેલા સ્પીકર તરીકે ઓળખાવ્યા હતા.

આવનારી ચુંટણીને લઈને ભાજપને આ વખતે પછાડવા માટે હાર્દિક પટેલ ઠેર ઠેર સભા કરી રહ્યો છે અને અનામતની માંગ સાથેની સભાઓ શરૂ કરી દીધી છે. જો કે આ જ સભાઓમાં હાર્દિક ભાજપ સરકાર અને અમિત શાહ, વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી રહ્યો છે.

You might also like