હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીનો મામલો મહિલા આયોગ સુધી પહોંચ્યો

અમદાવાદ: હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો જામ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રચારની ધુરા સંભાળી લીધી છે. હાર્દિક પટેલ પણ આજે સૌરાષ્ટ્રના માળિયા, મોરબી અને ટંકારા તાલુકામાં લોકસંપર્ક કરીને રાજકોટમાં સાંજે ૬-૩૦ વાગ્યે જાહેર સભાને સંબોધવાનો છે. આવા ચૂંટણીલક્ષી માહોલમાં હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીનો મામલો ફરીથી ગાજ્યો છે. હાર્દિક પટેલની કથિત સેકસ સીડીકાંડ અંગે ગઇ કાલેે પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિ દ્વારા રાજ્યના મહિલા આયોગ સમક્ષ રૂબરૂમાં લેખિત ફરિયાદ કરાઇ છે. જેમાં સમગ્ર બાબતની તટસ્થ તપાસ કરાવવાની માગણી કરાઇ છે.

હાર્દિક પટેલની ગત ૧૩ નવેમ્બરે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશમાં આવેલી કથિત સેકસ સીડીએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો. જોકે આ કથિત સેકસ સીડી અંગે હાર્દિક પટેલે મીડિયા સમક્ષ તે ખોટી હોવાનો દાવો કર્યો હતો. પાસ દ્વારા પોતાની રીતે કથિત સેકસ સીડીની તપાસ કરાવ્યા બાદ પોલીસ કેસ કરવા અંગે નિર્ણય લેવાની જાહેરાત પણ કરાઇ હતી. જોકે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ કરાઇ નથી.

દરમિયાન પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશ્વિન સાંકડાસરિયા કહે છે કે ગઇ કાલે હાર્દિક પટેલની વાઇરલ થયેલી સેકસ સીડી અંગે તપાસ કરવા રાજ્ય મહિલા આયોગ સમક્ષ વિધિવત લેખિત ફરિયાદ કરાઇ છે. સુરતની શોષિત યુવતીનો મારી સાથેની વાતચીતનો ર૩ મિનિટનો રેકોર્ડેડ ઓડિયો કે જેમાં યુવતીએ હાર્દિકે પદ અને પૈસાની લાલચ આપીને શારીરિક શોષણ કર્યું હોવાનું જણાવ્યું છે. તે સહિતના પુરાવા મહિલા આયોગને સોંપ્યા હતા.

મહિલા આયોગે મારી રજૂઆતને અડધો કલાક સાંભળીને માન્ય રાખી છે. આજે હું દિલ્હી કેન્દ્રીય મહિલા આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરવા આવ્યો છું. ચૂંટણી પૂર્વે મારા નિવેદન સહિતના સંબંધિતોના નિવેદન લેવાય તેવો આગ્રહ મેં રાજય મહિલા આયોગ સમક્ષ રાખ્યો છે.

મહિલા અાયોગને પાઠવાયેલો પત્ર
જ્ય ભારત સાથ જણાવવાનું તારીખ ૧૩-૧૧-ર૦૧૭ના રોજ સોશ્યલ મિડીયાના માધ્યમથી પ્રકાશમાં આવેલી સીડીમાં હાર્દિક પટેલે જે યુવતીઓને શારીરીક શોષણ કરેલ છે, તેવુ દેખાય છે. હાર્દિકના આવા વર્તનથી સમસ્ત ગુજરાતની જનતાની લાગણી દુભાવેલ છે. મારા જાણવા મુજબ વિડીયોમાં દેખાતી બંને સ્ત્રીઓને હાર્દિક પટેલ દ્વારા પદ અને પૈસાની લાલચ આપીને તેનુ શારીરીક શોષણ કરેલ છે. તો ઉપરોક્ત બાબતને સેક્સ સીડીમાં જોવામાં આવતા તમામ પાત્રોને નિવેદન નોંધી અને આ ઘટનામાં હાર્દિક પટેલ વિરુદ્ધ જાતિય શોષણની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અરજ છે.

સુરતની યુવતીની બે ઓડિયો કિલપ કાલ સોશ્યલ મિડીયામાં જોવા મળે છે. તે મુજબ તે યુવતીનું પણ પાસના કન્વીનરો દ્વારા જાતિય શોષણ થયુ હોય તેવું માલુમ થાય છે. સદરહું ઓડિયો કિલપમાં યુવતી સમાજમાં પોતાની આબરૂ જવાની બીકે ખુલીને જાહેર મંચ પર આવવા માંગતી નથી તેવુ જાણવા મળે છે.

ગુજરાતમાં એસપીજી નામે (સરદાર પટેલ ગૃપ) સંસ્થા ચલાવતા સભ્યો દ્વારા જો યુવતીની મુલાકાત લેવામાં આવેલ છે, અને તેમના નિવેદનને દબાવી દેવામાં આવેલ છે. તો આ બાબતે એસપીજીના કયા સભ્યો યુવતીને રૂબરૂ મળવા ગયા હતા? આપશ્રીને મળેલા બંધારણીય હોદ્દા અને કાયદાની રુએ યુવતીનું નિવેદન નોંધી તેનું જાતિય શોષણ થયેલ છે કે નહિ અને થયેલુ હોય તો કોના દ્વારા થયેલુ છે એ તમામ બાબત બહાર લાવી તટસ્થ તપાસ કરવા અરજ છે.

હાર્દિક પટેલના મિડીયા નિવેદન દ્વારા સોશ્યલ મિડિયામાં વાઇરસ થયેલ સેક્સ સીડીને ખોટી છે તેવુ બતાવવામાં આવેલ છે. માટે આપશ્રીના માધ્યમથી માનનીય કોર્ટ અને રાજ્ય સરકારને ભલામણ કરી આ સીડીની એફએસએલ તપાસ કરાવી આ સીડી ખોટી છે કે સાચી? જો ખોટી હોય તો સીડી બનાવવા બદલ તેની પાછળ રહેલા તત્વોને ખુલ્લા કરવામાં આવે અને સાચી હોય તો તેમા રહેલી મહિલાઓના મુદ્દા ૧ મુજબ નિવેદન નોંધી અને હાર્દિક પટેલ વિરુદ્ધ પદ અને હોદ્દાનો દુરઉપયોગ કરીને જાતિય શોષણ અને બળાત્કારની તપાસ કરવામાં આવે.

હાલમાં ગુજરાતમાં માહોલ ચૂંટણીનો છે. પાસની ટીમના સભ્યો દ્વારા યુવતીનું જાતિય શોષણ થયેલુ છે કે નહિ? વગેરે બાબતો જાહેર હિતમાં બહાર લાવવી જોઈઅે. સરળતા માટે જાહેર જનતા ના હિતમાં નારી સશક્તિકરણના યુગમાં યુવતીઓનું જાતિય શોષણ અટકાવવા આ બાબત ખુબ જ ઉપયોગી બની રહેશે તેવુ મારુ માનવું છે.

You might also like