હાર્દિકનો ડોનેશન અંગે વધારે લેટરબોમ્બ સરકાર પર ઝીંકાયો

સુરત : લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે વધારે એક પત્ર લખ્યો છે. જેમાં શાળા અને કોલેજોનાં ડોનેશન પ્રથા સામે પાટીદારોને લડવા માટે આહ્વાન કર્યું છે. રાજ્યનાં મુખ્યમંત્રી પર કલમ ટાંકતા તેણે કહ્યું કે આજે અનામત માંગવા પાછળ ડોનેશન પ્રથાપણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. રાજ્યનાં મુખ્યમંત્રી પણ સ્વિકારી ચુક્યા છે કે રાજ્યનાં શિક્ષણ ક્ષેત્રમાં તેમનું ચાલતું નથી. શાળાનાં સંચાલકો પોતાની મનમરજી અનુસાર વર્તે છે.

લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલનો આ પત્ર ડોનેશન પ્રથા પર જ રહ્યો. હાર્દિકે પત્રમાં જણાવ્યું કે હાલ રાજ્યમાં હાલ મોટા પાયે શિક્ષણનું વેપારીકરણ થઇ ચુક્યું છે. વિદ્યાનો વેપાર ડોનેશનનાં નામે થઇ રહ્યો છે. અને તેનાં જ કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. વિદ્યાર્થીઓ જાણે છે કે ઓછા માર્ક આવશે તો ડોનેશન ચુકવવું પડશે. ડોનેશન ચુકવી ન શકે તેવા માબાપનાં દિકરાઓ અનામત માંગવા માટે કાં તો રસ્તા પર ઉતરી આવે છે અથવા તો પછી આત્મહત્યા કરી લેતા હોય છે.

હાર્દિકે પત્રમાં લખ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતી તથા રાજ્યનાં નામી અનામી સંગઠનો ગરીબ પરિવારો પાસેથી લાખો કરોડો રૂપિયાનું ડોનેશન લેનાર સંસ્થાઓ સામે લાલ આંખ કરે. ગરીબ યુવાનોને ન્યાય અપાવે. આ કામ માટે તમામ લોકોએ આગળ આવવું પડશે. જે સરકારની રહેમ નજર હેઠળ શાળા કોલેજોમાં ડોનેશનનાં નામે ચૂંટણી ફંડ ભેગુ કરી રહ્યા છે તેઓએ હવે ચેતવાનો સમય આવી ગયો છે.

You might also like