હાર્દિકે પારૂલ કાંડનાં જયેશ પટેલ પર કર્યું શરસંધાન

સુરત : રાજદ્રોહનાં ગુનામાં જેલમાં પુરાયેલ હાર્દિક પટેલે વધારે એક પત્ર લખ્યો છે. હાર્દિકે આ વખતે સરકાર કે અન્ય કોઇ પર શરસંધાન નહી કરતા જયેશ પટેલ પર જ નિશાન તાક્યું છે. હાર્દિકે જયેશ પટેલને રાવણ કરતા પણ મોટો પાપી ગણાવ્યો હતો. ઉપરાંત હાર્દિકે સમાજનાં આગેવાનોને અપીલ કરી હતી કે બેન દિકરીની આબરૂ બચાવવા માટે આગળ આવવું જોઇએ. બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરતા નેતાઓની હાર્દિકે આકરી ઝાટકણી કાઢી નાખી હતી. સાથે સાથે ફઇબાને પણ સમગ્ર મુદ્દે ધસડ્યા હતા.

હાર્દિક પટેલે વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીનાં ટ્રસ્ટી જીયેશ પટેલને પાપી ગણાવ્યો હતો. સાથે સાથે જણાવ્યું કે પટેલ સમાજનાં કહેવાતા નેતાઓ શાળા, અને મંદિરો બંધાવવા આગળ આગળ દોડતા હતા તેઓ હવે સમાજની દિકરીને ન્યાય અપાવવા માટે બહાર કેમ નથી આવતા. ઉપરાંત સરકાર કે જે બેટી બચાવો અને બેટી પઢાવોની ગુલબાંગો ફુંકે છે તે જ્યારે પોતાનાં મળતીયા નીચે રેલો આવ્યો ત્યારે તેને બચાવવા માટેનાં પ્રયાસો કરી રહી છે.

હાર્દિકે જેલમાંથી હુંકાર કરતા જણાવ્યું હતું કે હું ભલે જેલમાં રહ્યો. પરંતુ મારા સમાજની બેનદિકરીની આબરૂની વાત આવશે ત્યારે હું જેલમાંથી પણ લડત આપીશ. પરંતુ જે સમાજનાં આગેવાનો સારા કામમાં આગળ આગળ હોય છે તેઓ આ કામમાં કેમ ક્યાંય દેખાતા નથી. સમાજની દિકરીને ન્યાય અપાવવામાં તેઓ કેમ પાછા પડે છે.

You might also like