હાર્દિક પટેલ હવે પોતાના ઘરે જ કરશે ઉપવાસ, રામોલ કેસમાં સોમવારે ચુકાદો આવે તેવી શક્યતા

અમદાવાદછ પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવાં માફીને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે આવતી કાલથી આમરણ ઉપવાસની જાહેરાત કરી છે. ઉપવાસ અંગેની પોલીસે મંજૂરી આપી નથી. જેથી હાર્દિક પટેલે હવે વૈષ્ણોદેવી ગ્રીનવૂડસ પાસે આવેલા પોતાના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરવા નિર્ણય કર્યો છે.

બીજી તરફ હાર્દિક પટેલના રામોલના કેસમાં જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરાઇ છે તેને લઇને ચુકાદો હવે સોમવારે આવે તેવી શક્વાયતા છે. આવતીકાલનાં ઉપવાસની જાહેરાતને લઇ પોલીસે હાર્દિક પટેલના નિવાસ સ્થાને વોચ ગોઠવી છે. હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા ૧૫ જેટલા પાસના કાર્યકરો-અગ્રણીની રાજકોટ ખાતે પોલીસે અટકાયત કરી છે.

હાર્દિક પટેલના આમરણ ઉપવાસને લઇ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે તેને લઇ પોલીસ આજથી જ એલર્ટ થઇ ગઇ છે. હાર્દિક પટેલે ઉપવાસની જાહેરાત કરી ત્યારે જ ગમે તે ભોગે ઉપવાસ કરવાની તેણે તૈયારી બતાવી હતી.

હાર્દિક પટેલ આવતી કાલે ઉપવાસ કરે તે પહેલાં જ તેની ધરપકડ કરાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. ૧૯ ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતીક ઉપવાસની પણ તેણે જાહેરાત કરી હતી જેમાં ઉપવાસ કરે તે પહેલાં તેની અટક કરી લેવાઇ હતી.

આવતી કાલના ઉપવાસ માટે પણ પોલીસની મંજૂરી મળી શકી નથી જેથી આવતી કાલે પણ ઉપવાસ પહેલાં તેની અટકાયત કરવામાં આવે તેવી શક્યતા છે. હાર્દિક પટેલની જો અટકાયત કરવામાં આવે તો ૧૯, ઓગસ્ટના રોજ અટકાયત બાદ સુરત સહિતના શહેરોમાં જે ‌રીતે વિરોધ અને તોડફોડના બનાવો બન્યા હતા તેવી પરિસ્થિતિ આવતી કાલે ન સર્જાય તે માટે પોલીસ આજથી અલર્ટ બની ગઇ છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી દેવાઇ છે.

શહેરનાં નિકોલ, રામોલ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્યારથી જ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. જો આવતી કાલે હાર્દિક પટેલની અટકાયત કરાશે તો તે જેલમાં ઉપવાસ કરશે તેવી જાહેરાત તેણે અગાઉ કરી છે.

જ્યારે બીજી તરફ હાર્દિક પટેલની ધરપકડ કરાશે તો પાસના અન્ય નેતાઓ અલગ અલગ જગ્યાએ ઉપવાસ કરશે તેવું પાસનાં સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like