ચૂંટણી સભા સંબોધતા હાર્દિક પટેલને યુવકે લાફો માર્યો

સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને તું ૧૪ લોકોને ભરખી ગયો છે તેમ કહીને લાફો ઝીંકી દેતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે જૂનાગઢના વંથલી ગામમાં આજે વિધાનસભાની માણાવદરની પેટાચૂંટણીના પ્રચાર માટે નીકળેલ એનસીપીના ઉમેદવાર રેશમા પટેલ પર હુમલો થયો છે.

પાસના કન્વીનર અને તાજેતરમાં કોગ્રેસમાં જાડાયેલા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક છે. આજે સવારે સુરેન્દ્રનગરમાં આવેલ બલદાણામાં હાર્દિક જન આક્રોશ સભા સંબોધતા હતા ત્યારે સ્ટેજ પર એક યુવક દોડી આવ્યો હતો અને ભરસભામાં હાર્દિકને લાફો ઝીંકી દીધો હતો.

સ્ટેજ ઉપર હાજર કોંગ્રેસના કાર્યકરોએ યુવકને ઝડપી લીધો હતો અને માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસ યુવકને લઇ જતી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને લોકોએ તેને ઢોરમાર મારીને તેનાં કપડાં પણ ફાટી નાખ્યાં હતાં. હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરુણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહીશ છે.

સ્ટેજ પર હાજર નેતા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવકને ઝડપી પાડ્યો હતો. હાર્દિકને ભરસભામાં લાફો પડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. હાર્દિકને એક બાજુમાં લાફો પડ્યો છે ત્યારે તેની જૂના સાથી રેશમા પટેલ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે.

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલના સાથી અને વિધાનસભાની ચૂંટણી પહેલાં હાર્દિકનો સાથ છોડીને ભાજપમાં જોડાઇ ગયેલ રેશમા પટેલે તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપીને રાજકીય પક્ષપલટો કર્યો છે અને એનસીપીમાં જોડાયા છે. વિધાનસભાની માણાવદર બેઠકની પેટાચૂંટણીમાં રેશમા પટેલ એનસીપીનાં ઉમેદવાર છે.

આજે સવારે રેશમા તેના કાર્યકર્તાઓ સાથે વંથલી ગામમાં પ્રચાર માટે ગયાં હતાં ત્યારે કેટલાંક તોફાની તત્ત્વોએ તેના પર હુમલો કર્યો હતો. રેશમા પર હુમલો થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. રેશમા પટેલ પર હુમલો થતાં તેમણે ભાજપ પર નિશાન ટાંક્યું હતું અને ભાજપના ઇશારે હુમલો થયો હોવાના આક્ષેપ કર્યાે હતાે. આ બંને ઘટનાના પગલે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં હવે વધુ રાજકીય ગરમાવો આવે તેવી શક્યતા છે.

You might also like