ત્રણ વેઈટ મશીનમાં હાર્દિકનું વજન દર ફેરે આવ્યું અલગ-અલગ!

અમદાવાદઃ હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસને આજે ૧રમો દિવસ છે. હાર્દિકની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાનના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. બીજી તરફ આજે સવારે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં તેનાં વજનમાં તફાવત જોવા મળ્યો હતો. ગઇ કાલે સોલા સિવિલ હોસ્પિટલની ટીમે વજન કર્યું ત્યારે પ૮ કિલો હતું આજે સવારે મેડિકલ ટીમે વજન કરતાં ૬૬ ‌કિલો વજન જણાયું હતું.

ડોકટરોએ આ મશીનની ટેકનિકલ એરર હોવાનું જણાવ્યું હતું. વજન કર્યા બાદ અડધો કલાક બાદ ફરી બીજા મશીનથી વજન કરતાં તેનું વજન ૭૦ કિલો જેટલું જણાયું હતું. જેથી મશીનોમાં ટેકનિકલ એરર હોવાથી તેના વજનનો ચોક્કસ આંકડો સામે આવી શક્યો ન હતો. જોકે હાલમાં તેનું વજન ૧ર કિલો ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે.

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન દિવસે દિવસે રાજકીય રંગ પકડી રહ્યું છે. ગઇ કાલે સરકારનાં મંત્રી સૌરભ પટેલે ઉપવાસને લઇ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. દરરોજ કોંગ્રેસનાં કેટલાક નેતાઓ અને ભારતનાં અનેક નેતાઓ મુલાકાત લઇ રહ્યા છે. આજે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોની દેવા માફીને લઇ છેલ્લાં 12 દિવસથી સતત ઉપવાસ પર છે. ત્યારે હાર્દિકનાં આ ઉપવાસને લઇ સરકાર વિરોધ પક્ષનું પણ સમર્થન મળી રહ્યું છે. જેમાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ સહિતનાં દિગ્ગજ નેતાઓએ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે.

તેમજ શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા જેવાં અનેક દિગ્ગજ નેતાઓએ હાર્દિકની મુલાકાત લીધી હતી. બીજી બાજુ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. ત્યારે સરકાર આ અંગે શું નિર્ણય કરશે તે હવે જોવાનું રહ્યું.

You might also like