…અે વીડિયોમાં હાર્દિકનો જ અવાજ ‘પાસ’ના અગ્રણીઅોનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ પણ પોઝિટિવ

અમદાવાદ: રાજદ્રોહના ગુનામાં જેલમાં રહેલા ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલના વિવાદાસ્પદ વીડિયોમાં અવાજ હાર્દિક પટેલનો જ હોવાની પૃષ્ટિ એફએસએલના રિપોર્ટમાં કરાઇ છે. આ ઉપરાંત તોફાનો દરમિયાન હાર્દિક પટેલ સહિત પાસના અગ્રણીઓએ તોફાનો ભડકાવવા સંબંધી મોબાઇલ ફોન પર કરેલી વાતચીતનો વોઇસ સ્પેકટ્રોગ્રાફીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન શરૂ થયેલાં તોફાનોમાં લોકોને ઉશ્કેરણી કરવાની તથા પોલીસને પાઠ ભણાવવાની હાર્દિક પટેલ અને પાસના અગ્રણીઓની મોબાઇલ પર થયેલી વાતચીતના રેકર્ડિંગના આધારે ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત પાંચ વ્યકિતઓ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલની ધરપકડ કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે કરેલા કોલ રેકર્ડિંગમાં અવાજ પાસના ધરપકડ કરાયેલા અગ્રણીઓનો જ છે કે કેમ તે જાણવા એફએસએલમાં વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરાવ્યો હતો.

આ રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજદ્રોહના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા હાર્દિક પટેલ સહિતના પાંચ પાસના અગ્રણીઓની મુશ્કેલીઓ વધી છે. ક્રાઇમ બ્રાન્ચે એફએસએલમાં કરાવેલા તમામ આરોપીઓના વોઇસ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટમાં પૂરવાર થયું છે કે કોલ રેકર્ડિંગમાં અવાજ હાર્દિક પટેલ સહિતના અન્ય આરોપીઓનો જ હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર સી.બી.ગેડમે જણાવ્યું છે કે હાર્દિક પટેલ તથા અન્ય આરોપીઓના એફએસએલમાં કરાયેલો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રાજ્ય સરકારે પાટીદાર તથા અન્ય વર્ગ માટે પેકેજ જાહેર કર્યું હતું આ પેકેજના વિરોધમાં એકઠા થયેલા પાટીદારોની પોલીસે ધરપકડ કરી હતી જેમાં ધરપકડના વિરોધમાં વિપુલ દેસાઇ નામના પાટીદારે આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી. આથી હાર્દિક પટેલ તેને મળવા માટે સુરત ખાતે દેસાઇના ઘરે ગયો હતો. ત્યાં તેણે એમ કહ્યું હતું કે તારામાં એટલી બધી હોય ને તો બે-ચાર પોલીસવાળાને મારી નાખ, બાકી પટેલ મરે નહીં.

અા વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે રાજ્દ્રોહ જેવો ગંભીર ગુનો દાખલ થયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલનો વોઇસ સ્પેકટ્રોગાફી ટેસ્ટ કરાવ્યો હતો અને વિપુલ દેસાઇના ઘરે ઉચ્ચારેલા વિવાદાસ્પદ શબ્દોનો ફરીથી એફએસએલમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવતાં આ શબ્દો હાર્દિક પટેલનો હોવાનો રિપોર્ટ સુરત ક્રાઇમ બ્રાન્ચને આપ્યો છે.

ક્રાઇમ બ્રાંચે હાર્દિક પટેલ સહિત અન્ય ચાર લોકોની રાજદ્રોહના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. જેમાં તમામ આરોપીઓના ગાંધીનગર એફએસએલમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનમાં ફાટી નીકળેલાં તોફાનોમાં હાર્દિક પટેલ અને પાસના અગ્રણીઓ દ્વારા પાટીદારોની ઉશ્કેરણી કરવા તથા પોલીસને પાઠ ભણાવવાનો આદેશ કર્યો હતો. જેનું રેકર્ડિંગ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધું હતું.

આ મુદ્દે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમનો એક પછી એક વોઇસ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો ફોન કોલ્સ દરમિયાન પાટીદારોને ઉશ્કેરણી માટે આરોપીઓએ જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેનું ફરીથી રિપિટેશન ગાંધીનગર એફએસએલમાં કરવામાં આવ્યું હતું. તમામ આરોપીઓની ગાંધીનગરની એફએસએલમાં ચકાસણી કરતાં તમામ આરોપીઓના અવાજ કોલ રેકર્ડિંગમાં મેચ થતા હોવાનો પોઝિટિવ રિપોર્ટ ક્રાઇમ બ્રાંચને આપ્યો છે.

You might also like