જેલમાંથી છૂટવા હાર્દિક ત્રણ સાથીઅોને બલિના બકરા બનાવવા માગે છે?

અમદાવાદ: રાજદ્રોહ સહિતના ગુનામાં સાત મહિનાથી જેલમાં બંધ હાર્દિક પટેલે જેલમાંથી છૂટવા માટે પાટીદાર આંદોલન દરમિયાનનાં તોફાનો માટે તેના જ ત્રણ સાથીઓ જવાબદાર હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. જેના પગલે ચિરાગ, દિનેશ અને કેતન જવાબદાર છે. ‘પાસ’ના અગ્રણીઓ અને પાટીદારો પણ ચોંકી ઉઠ્યા છે.

જોકે હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે ૨૫ ઓગસ્ટની રેલી બાદ તોફાનો અને હિંસા ફાટી નીકળ્યાં તેની ઉશ્કેરણી માટે ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બાંભણિયા જવાબદાર હતા. આ ત્રણેય હાર્દિકની જેમ રાજદ્રોહના ગુનામાં હાલ જેલમાં છે. હાર્દિકની રજૂઆત બાદ હવે પાટીદારોમાં પણ ચર્ચા છે કે હાર્દિક આરોપોમાંથી છૂટવા શું પોતાના જ ત્રણ સાથીઓને બલિના બકરા બનાવવા માગે છે.

પાસના કન્વીનર હાર્દિક પટેલની રાજદ્રોહના ગુના હેઠળ શહેર ક્રાઈમ બ્રાન્ચે સાત માસ અગાઉ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચે 2700 પાનાંનીં ચાર્જશીટ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરી હતી.બીજી તરફ હાર્દિક પટેલે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હાર્દિકના વકીલ રફીક લોખંડવાલાએ કોર્ટને જણાવ્યું હતું કે,અનામત આંદોલનમાં ઉશ્કેરણી ફેલાવવા અને હિંસા ભડકાવવા માટે હાર્દિકનો કોઈ રોલ નથી. ચિરાગ, દિનેશ અને કેતન તેના માટે જવાબદાર છે. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં મોબાઈલ ફોનની વાતચીતની સ્ક્રીપ્ટ રજૂ કરી છે.જેમાં હાર્દિકની કોઈની સાથે વાતચીતનો ઉલ્લેખ નથી. ચિરાગ, કેતન અને દિનેશ હિંસા ફેલાવવા માટે અને આંદોલનમાં વધુ લોકો સામેલ થાય તેવી વાતો કરી રહ્યા છે. આમ હાર્દિક ઉપર ખોટી રીતે દોષનો ટોપલો નાંખવામાં આવી રહ્યો છે.હાર્દિક સામે કોઈ પુરાવા નથી. આથી તેને જામીન આપવા જોઈએ.આમ હાર્દિકના વકીલની રજૂઆતથી એક તબક્કે કોર્ટ રૂમમાં સોંપો પડી ગયો હતો. કોર્ટમાં થયેલી રજૂઆતથી સરકારને વાકેફ કરવામાં આવી હતી.

જયારે કોર્ટ રૂમમાં હાજર પાટીદારો બહાર નીકળીને મોબાઈલ ઉપર અન્યને જાણ કરતા નજરે પડયા હતા. હાર્દિકના વકીલની રજૂઆત બાદ સરકાર તરફથી સિનિયર એડવોકેટ એચ.એમ.ધ્રુવ અને મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ દરેક વખતે નવા મુદ્દા લાવીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે. હાર્દિક સામે પૂરતા પુરાવા છે. ઉશ્કેરણી અને હિંસા તેના ઈશારે ફેલાવવામાં આવી હતી. જેલમાં રહીને સરકારે 1100 કરોડની ઓફર કર્યાનું જુઠાણું ફેલાવ્યું હતું.

હકીકતમાં હાર્દિકને જેલમાં સરકાર તરફથી કોઈ મળવા ગયું જ નથી.તે સરકારને બદનામ કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે. અગાઉ હાર્દિક પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.જામીન અરજીમાં નવાં કોઈ કારણો નથી. કોર્ટે 8મી તારીખે મંગળવારનો રોજ ચુકાદા માટે રાખ્યો છે. જયારે ચિરાગ, કેતન અને દિનેશ બાંભણિયાની જામીન અરજીમાં ૯મીને બુધવારના રોજ તેઅો તરફથી શું રજૂઆત થશે તેની ઉપર બધાની મીટ રહેશે.

હાર્દિકના વકીલ રફીક લોખંડવાલાએ જણાવ્યું હતું કે,મારી બે કલાકની દલીલોમાં મેં આવી કોઈ રજૂઆત કરી નથી,પણ છેલ્લે એવી રજૂઆત કરી હતી કે, હાર્દિક સામે કોઈ પુરાવો નથી.ચાર્જશીટના દસ્તાવેજોમાં પણ હાર્દિક સામે પુરાવો નથી. હાર્દિકના ત્રણ સાથીઓ તોફાનો માટે જવાબદાર હોવાની રજૂઆત કરવામાં આવી નથી.સરકાર સમાધાન ન થાય અને અંદરોઅંદર ફાટફૂટ પડે તેવા પ્રયાસો કરી રહી છે.

ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે, હાર્દિકના વકીલે કોર્ટમાં કરેલી દલીલોમાં હાર્દિક નિર્દોષ હોવાનું અને તેના ત્રણ સાથી ઉશ્કેરણી અને હિંસા ફેલાવવા માટે જવાબદાર હોવાની રજૂઆત કરી હતી.

You might also like