રાજદ્રોહ મુદ્દે હાર્દિક સામે સુરત કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ

અમદાવાદ: રાજદ્રોહના ગુનામાં બંધ પાસના કન્વીનર હાર્દિક પટેલ સામે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ક્રાઈમબ્રાન્ચના અધિકારીએ સુરતની સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અંદાજે એક હજાર પાનાની ચાર્જશીટ ક્રાઈમબ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી છે. એક હજાર પાનામાંથી ૩૭૦ પેઈઝની ચાર્જશીટ છે. જયારે બાકીની કોલ ડીટેઈલ રજૂ કરાઈ છે.

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારી એચ. જે. દહિયા દ્વારા સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. અત્રે નોંધનિય છે કે, સુપ્રીમકોર્ટના નિર્દેશ મુજબ આરોપી હાર્દિક પટેલ સામે રાષ્ટ્રદ્રોહના ગુનોની કલમ કાઢી નાખવામાં આવી હતી. ત્યારે આજે ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજદ્રોહના ગુનાની કલમો હેઠળ એક હજાર પાનાથી વધુની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પોલીસ પર હુમલો કરી હત્યા કરવા અંગે રાજય સરકારના અભિન્ન અંગ એવા પોલીસ તંત્ર પર હુમલો કરવાના વિઝયુઅલ મીડિયાના નિવેદનો, ટ્રાન્સસ્ક્રીપ્ટ ઉપરાંત હાર્દિકના સ્પેકટ્રોગ્રાફીના રિપોર્ટ સહિત અન્ય પંચ સાક્ષીઓની યાદી રજૂ કરાઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે, હાર્દિક પટેલના કોલ ડિટેઈલ રેકોર્ડ(સીડીઆર)માં મીડિયા કર્મીઓને માર મારવો, ઓબીસી સમાજના લોકોને માર મારવાની અને પોલીસ મથકનો ઘેરાવ કરવાની વાતોનું સીડીઆર મળ્યું હતું.

જે સીડીઆરમાંથી પોલીસે મુદ્દાઓ કોર્ટ સામે રજૂ કર્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિરૃદ્ધ કરાયેલી અભદ્ર ટીપ્પણીઓને પણ ચાર્જશીટમાં રજૂ કરાઈ છે. ચાર્જશીટમાં ૫૦ જેટલા સાક્ષીઓનો સમાવેશ કરાયો છે. તેમજ ઈન્ટરસેપ્શનની સીડી પણ જોડી છે. અને જાહેર મિલકતોને થયેલા નુકસાનની વાત પણ કરવામાં આવી છે.

ક્રાઈમબ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધના રાજદ્રોહના ગુનાની ચાર્જશીટ રજૂ કરી હતી. જેના તુરંત બાદ હાર્દિકના વકીલ યશંવત વાળા દ્વારા ચાર્જશીટની કોપી માંગતી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. પરંતુ કોર્ટે હાર્દિકના વકીલની અરજી ફગાવી દઈને કહ્યું હતું કે, આગામી તા. ૧૧મી જાન્યુ.એ યોજાનાર સુનાવણી વખતે ચાર્જશીટની કોપી આપવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન હેઠળ મોટા વરાછામાં રહેતાં વિપુલ દેસાઇના ઘરે પાસના કન્વીનર હાર્દિક પટેલે પોલીસ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.જેમાં પોલીસે હાર્દિક પટેલની રાજદ્રોહ હેઠળ ધરપકડ કરી હતી. આ બનાવના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટા વરાછાના વિપુલ દેસાઇ અને ચિરાગ દેસાઇની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા હતાં. જો કે આ બન્નેના નિવેદનોની અલગથી ચાર્જશીટ રજૂ કરાશે.

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક તરફે સિનિયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે કરેલી રજૂઆત બાદ સરકાર તરફે મુકુલ રોહતગીએ એવી રજૂઆત કરી હતી કે,સુરત પોલીસને આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવા દેવાની પરવાનગી આપવામાં આવે. કેમ કે, જો તેઓ ચાર્જશીટ દાખલ નહીં કરે તો આરોપી જામીન મુકત થઇ જશે. આ કેસમાં સરકાર દ્વારા ડ્રાફટ ચાર્જશીટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવા પ્રયત્ન કરતાં જસ્ટિસ જે.એસ. ખેહર અને સી નાગપ્પનની ખંડપીઠે ડ્રાફટ ચાર્જશીટ જોવાનો ઇન્કાર કરી દીધો હતો અને સરકારને આદેશ કર્યો હતો કે, ૮ જાન્યુ. સુધીમાં પોલીસ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરે. જેના આધારે સુરતની ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

You might also like