હાર્દિક પટેલે ખોડિયાર માતાનાં મંદિરે દર્શન કરીને રેલીનો પ્રારંભ કર્યો

અમદાવાદ: પાટીદાર અાંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અાજે અમદાવાદમાં પાટીદારોના ગઢ ગણાતા એવા વિસ્તારોમાં કાર રેલી યોજવામાં આવી હતી. સવારે ઘુમા ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે હાર્દિક પટેલે દર્શન કરીને રેલીનો પ્રારંભ કર્યો હતો.

હાર્દિકે કોંગ્રેસને મત આપવા લોકોને અપીલ કરી હતી. ઘુમા ખાતે મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થયા હતા અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. કાર અને બાઇકના કાફલા સાથે મોટી સંખ્યામાં પાટીદારો રેલીમાં જોડાયા હતા.

ઘુમાથી રેલી નીકળી બોપલ, હેબતપુર, સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં ફરી અને અારટીઅો સુધી જશે. અલગ અલગ જગ્યાઅે હાર્દિકનું લોકોઅે સ્વાગત કર્યું હતું.  અાજે સવારે ૯ કલાકે હાર્દિક પટેલ ઘુમાથી મર્યાદિત વાહનો સાથે રેલીનો પ્રારંભ કરવાનો હતો.

જો કે બે કલાક બાદ એટલે કે ૧૧ વાગ્યાની અાસપાસ રોડ શોની શરૂઅાત થઈ હતી. ઘુમા ખાતેથી રોડ શો શરૂ થઈ અને બોપલ અને સાયન્સ સિટી વિસ્તારમાં હાર્દિક પહોંચતા પાટીદારો તેમજ અન્ય લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં અાવ્યું હતું.

પાટીદારોના ગઢ ગણાતા એવા નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, નિકોલ જેવા વિસ્તારોમાં હાર્દિક પટેલ બાઈકો અને ગાડીઅો સાથે રેલી કરી શક્તિ પ્રદર્શન કરશે. ૧૩ સ્થળોઅે તેનું સ્વાગત કરવામાં અાવશે ભારે ઊહાપાેહ બાદ મળેલી મંજૂરીના કારણે માત્ર ગણતરીના જ વાહનો સાથે હાર્દિકે રેલી યોજાઇ હતી.

રેલીના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોપલ અને ઘુમા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. તેમજ રોડ શોના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બીજા તબક્કાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી હોઇને તમામ પક્ષો દ્વારા પ્રચાર વેગ પકડી રહ્યો છે.

આજે અમદાવાદમાં જ પાસના નેતા હાર્દિક પટેલની જનસભા આયોજિત કરાઇ છે. પાટીદારોને આકર્ષવાના મૂડમાં નિકોલમાં સાંજે છ વાગ્યે હાર્દિક પટેલ ક્રાંતિસભાને સંબોધિત કરશે, જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિત પાસ કન્વીનરો હાજરી આપશે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલના સમર્થનમાં નિકોલમાં પાટીદારો હાર્દિક પટેલની સભામાં શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે.

એક તરફ અમદાવાદમાં જ ભાજપના દિગ્ગજ નરેન્દ્ર મોદીની સભા યોજાઇ છે, જ્યારે આ જ સમયે પાટીદારોનું સમર્થન મેળવવા હાર્દિક પટેલની સભા નિકોલ ખાતે યોજાઇ છે. નિકોલમાં તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી.

You might also like