ગુજરાતમાં હાર્દિકની બીજી ઈનિંગ શરૂ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા હાર્દિક પટેલ આજે છ મહિના બાદ ગુજરાત પરત ફર્યો છે. કોર્ટના આદેશ અનુસાર છ મહિના સુધી રાજસ્થાનના ઉદયપુરમાં રહેલા હાર્દિકની મુદત આજે પૂરી થતાં તે આજે સવારે ઉદયપુરથી ર૦૦ ગાડીના કાફલા સાથે ગુજરાત આવવા નીકળ્યો હતો. દરમ્યાન રતનપુર બોર્ડર પાસે હાર્દિકનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાજસ્થાનથી રતનપુર અને ગુજરાત તરફના માર્ગો ‘જય સરદાર, જય પાટીદાર’ના નારાઓથી ગુંજી ઊઠ્યા હતા.

ગુજરાત આવતાં પહેલાં હાર્દિક પટેલે કહ્યું હતું કે હક માગવો એ ગુનો નથી, હક માટેનું અમારું આંદોલન ચાલુ જ રહેશે. હાર્દિકે ગુજરાત આવવા નીકળતાં પહેલાં રાજસ્થાન અને ઉદયપુરની ધરતીને નમન કર્યાં હતાં. તે રાજસ્થાન ફરીથી આવશે તેવું જણાવીને દેશને નવી ઊંચાઇએ લઇ જવા લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આજે બપોરે બે વાગ્યે હિંમતનગરમાં હાર્દિક પટેલ જાહેરસભાને સંબોધશે. રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રેન્જ આઇજી, એસપી, પાંચ ડીવાયએસપી તથા ૭૦૦થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે.

હાર્દિક સાંજે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના આશીર્વાદ લેવા તેમના ગાંધીનગરસ્થિત નિવાસસ્થાને જશે. દરમ્યાન પાસ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ અથવા સુરતમાં હાર્દિક પટેલ કેશુભાઇની સાથે જંગી જાહેરસભા ગજાવશે તેવું એલાન પણ કરાયું છે. દરમ્યાન પાસના મીડિયા પ્રવક્તા વરુણ પટેલ કહે છે, આજે સાંજે હાર્દિક કેશુભાઇની રૂબરૂ મુલાકાત લઇને તેમના પાટીદાર અનામત આંદોલન માટેના આશીર્વાદ લેશે, જોકે કેશુભાઇ અમારી લડતમાં સક્રિય રીતે જોડાય તેવી અમારી ઇચ્છા છે.

કેશુભાઇની સક્રિય ભૂમિકાથી અમને જોમ અને જુસ્સો મળશે. પાસ દ્વારા આગામી દિવસોમાં હાર્દિક અને કેશુભાઇ એક જ મંચ ઉપર ઉપસ્થિત રહીને સમાજને માર્ગદર્શન પૂરું પાડે તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. રાજકોટ અથવા સુરત પૈકી કોઇ પણ એક શહેરમાં હાર્દિક કેશુભાઇની સાથે સભા ગજાવશે.

દરમ્યાન રાજ્ય સરકાર સામે એક પછી એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ પાસ દ્વારા અપાઇ છે. પાસના મીડિયા પ્રવક્તા વધુમાં કહે છે પાટીદાર અનામત આંદોલનકારીઓ રાજ્ય સરકાર સાથે વધુ વાટાઘાટ કરવા પણ તૈયાર છે.
http://sambhaavnews.com/

You might also like