હાર્દિક પટેલ 15 જુલાઈએ થશે જેલમુક્ત, બે દિવસ ગુજરાતમાં રોકાશે

સુરત: રાજદ્રોહના કેસ બાદ વિસનગર કેસ મામલે પણ હાર્દિક પટેલના જામીન મંજુર થતા હાર્દિક પેટેલના વકીલ દિલીપ પટેલે એક મહત્વપૃર્ણ નિવેદન આપ્યું છે. જે અંતર્ગત તેમણે જણાવ્યું છે કે હાર્દિક આગામી 15 જૂલાઈના રોજ સવારે 11 કલાકે જેલમુકત થશે.

નોધપાત્ર છે કે ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પેટેલના શરતી જામીન મંજુર કર્યા છે. તેથી તેને 6 મહિના ગુજરાત બહાર રહેવું પડશે. જોકે હાર્દિક 2 દિવસ ગુજરાતમાં રોકાશે, અને જેલમુકત થયા બાદ હાર્દિક વરાછામાં એક જાહેર સભા સંબોધશે.

આ જાહેરસભાની આગોતરી તૈયારીઓ સુરત પાસ કન્વિનરો દ્રારા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પાસ કન્વિનરોએ જાહેર સભા સંબોધવા માટે પોલીસ કમિશનરની પરવાનગી માંગવાની કવાયત પણ શરૂ કરી દિધી છે. હાર્દિક બે દિવસ ગુજરાતમાં રોકાશે, તો આ બંને દિવસોમાં તે સુરત,અમદાવાદ અને પોતાના ગામ વિરમગામની મુલાકાત લેશે.

હાર્દિક પટેલ જેલમુક્ત થયા બાદ 48 કલાક એટલે કે બે દિવસ ગુજરાતમાં રહેનાર છે. એટલે આ બે દિવસનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. સુરત પાસની ટીમ દ્વારા આ બાબતની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

સુરતથી લઇને ભરુચ,વડોદરામાં ભવ્ય સ્વાગતના કાર્યક્રમ
હાર્દિક પટેલની જેલ મુક્તિ બાદ સુરતથી લઇને ભરુચ,વડોદરા અને વિરમગામમાં ભવ્ય સ્વાગતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જો કે સભા કરવા સંદર્ભે હજુ સુધી પાસ દ્વારા સરકાર પાસે મંજુરી માગવામાં આવી નથી.પણ આવતીકાલે પાસના કન્વીનરોની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.જયારે હાર્દિક પટેલ જેલમાંથી છુટ્યા બાદ રાજય બહાર મોટાભાગના રાજયોમાં ફરીને પાટીદાર આંદોલનને વધારે મજબુત કરે તેવા કાર્યક્રમો ધડવામાં આવી રહ્યા છે.

વિરમગામમાં હાર્દિકનું બેન્ડબાજા સાથે સ્વાગત કરાશે
ગુજરાત હાઇકોર્ટે વિસનગર કેસમાં પણ સોમવારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના જામીન મંજૂર કરતા વિરમગામના ઝાલાવાડી પાટીદાર સોસાયટીમાં આવેલાં તેના નિવાસસ્થાને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ પાટીદારો હાર્દિકના ભવ્ય સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે. હાર્દિકનું બેન્ડબાજા સાથે સ્વાગત કરવામાં આવશે.

You might also like