અનામત આંદોલન અવઢવમાં અટવાયું

પાટીદાર અનામત આંદોલનની અત્યારની પરિસ્થિતિએ સરકારને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે. પાલિકા-પંચાયતોની ચૂંટણીનાં પરિણામો પછી સરકાર સતત પાટીદારો સાથે સમાધાનના મૂડમાં છે. એક-બે વાર મધ્યસ્થીઓ દ્વારા આ અંગે પહેલ પણ કરાઈ હતી, પરંતુ લાજપોર જેલમાંથી લખાયેલા હાર્દિકના લેટરબોમ્બે આવી મંત્રણાઓની શક્યતા પર પાણી ફેરવી દીધું હતું. હવે પોલીસ વિભાગ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવાતા સમાધાનની શક્યતાઓ ફરીથી ધૂંધળી બની છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ના નેજા હેઠળ પાટીદાર સમાજને અનામતમાં સમાવવાની માગ સાથે રપ ઓગસ્ટ, ર૦૧પના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાક્રાંતિ રેલી અને સભા યોજાઈ હતી. રેલી શાંતિપૂર્ણ રહી હોવાનું ભાજપના સિનિયર મંત્રી અને પ્રવક્તા નીતિન પટેલે જાહેર કર્યું હતું. જોકે રેલી બાદ ઉપવાસીઓ સાથેના પોલીસ ઘર્ષણ બાદ રાજ્યમાં હિંસક બનાવો બન્યા હતા જેમાં સરકારી મિલકતને ખાસ્સું નુકસાન થયું હતુું. આ અંગે ગાંધીધામના નરેન્દ્ર ગઢવીએ આ બાબતને રાજદ્રોહ સમાન ગણાવી આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ સંદર્ભે અનામત આંદોલનનો મુખ્ય ચહેરો એવા હાર્દિક પટેલ સહિત પાસના અન્ય કન્વીનરોની રાજદ્રોહના કેસ હેઠળ ધરપકડ કરીને જેલમાં ધકેલાઈ દેવાયા હતા.

આ કેસ સંદર્ભે હાલમાં જ અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તહોમતનામુું(ચાર્જશીટ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેની સભા અને ત્યારબાદના હિંસક બનાવોને ગુજરાતની ચૂંટાયેલી સરકારને ઉથલાવવાનું આયોજનપૂર્વકનું કાવતરું ગણાવાયું છે. જોકે હવે આ કેસમાં રાજદ્રોહની અરજી કરનાર નરેન્દ્ર ગઢવીએ પોતાની અરજી પાછી ખેંચી લેવાની તૈયારી બતાવી હોવાથી આ મામલે વધુ એક વળાંક આવ્યો છે.

ફરિયાદી ફરિયાદ પરત ખેંચવા તૈયાર
આ અંગે નરેન્દ્ર ગઢવી કહે છે, “શરૃઆતમાં મને લાગી રહ્યું હતું કે, આ આંદોલન એક રાજકીયપ્રેરિત છે અને તેનાથી રાજ્યની સંપત્તિને ખાસ્સુ નુકસાન થયુંં છે, આથી જ મેં તેને રાજદ્રોહ ગણવાની અરજી કરી હતી. બાદમાં હું ‘પાસ’ના વરુણ પટેલ અને એસપીજી (સરદાર પટેલ ગ્રૂપ)ના લાલજી પટેલના સંપર્કમાં આવ્યો અને તેમની સાથે વાતચીત થતાં મને સમજાયું કે, આ આંદોલન પાટીદાર સમાજ માટેનું છે. રાજકીય છે કે નહીં તે બાબતે હજુ સ્પષ્ટતા થઇ નથી, પરંતુ ગુજરાતમાં વર્ગવિગ્રહની સ્થિતિ ઊભી ન થાય અને પાટીદાર સહિત ઓબીસી અને અન્ય સમાજનું ભલુ થાય તેવો આશય છે. હાલ હાર્દિક કોઈની વાત માનવા તૈયાર નથી ત્યારે હું પાસ, એસપીજી અને સરકારના પ્રતિનિધિની સાથે હાર્દિક સાથે ચર્ચા થાય તે માટે મારી અરજી પાછી ખેંચવા માટે તૈયાર થયો છુંં જોકે અરજી પાછી ખેંચવાનો
મારો નિર્ણય જેલમાં હાર્દિકની મુલાકાત થયા પછીનો જ રહેશે.”

કેસને કોઈ અસર નહીં થાય
જોકે રાજદ્રોહના આ કેસમાં નરેન્દ્ર ગઢવી પોતાની અરજી પરત ખેંચે તો પણ કેસને કોઈ અસર થશે નહીં તેમ ક્રાઇમ બ્રાંચના અધિકારીએ કહ્યું હતુંં. નામ ન આપવાની શરત સાથે અધિકારીએ કહ્યું કે, “નરેન્દ્ર ગઢવી આ કેસમાં એક સાક્ષીની ભૂમિકામાં છે. તે મુખ્ય સાક્ષી કે ફરિયાદી નથી. જેથી તેના ફરી જવાથી કે અરજી પાછી ખેંચી લેવાથી કેસને કોઈ અસર થશે નહીં.” આ અધિકારીએ તો એમ પણ કહ્યું કે, “આ કેસમાં રહેલા સાક્ષીઓ પૈકીના મોટાભાગના સાક્ષી પણ જો કદાચ ફરી જાય કે કેસમાંથી હટી જાય તો પણ કેસમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે હવે આ કેસમાં ટેક્નિકલ પુરાવાઓ મજબૂત છે, જેના આધારે જ આ કેસ આગળ વધશે.”

કોર્ટનું વલણ જોવું પડે
એક તરફ રાજદ્રોહના આરોપ સાથે કોર્ટમાં આ અંગેનું તહોમતનામું રજૂ કરી દેવાયું છે. સાથેસાથે સરકાર અને પાટીદાર અગ્રણીઓ સમાધાનની તૈયારી દર્શાવી રહ્યાં છે ત્યારે કાયદાકીય રીતે આ બાબત કેટલી શક્ય છે તે અંગે હાર્દિકના ઍડવોકેટ રહી ચૂકેલા બાબુભાઈ માંગુકિયા કહે છે, “સમાધાન કોઈ પણ બાબતે થઇ શકે, પરંતુ રાજદ્રોહની ફરિયાદ પાછી ખેંચવાની વાત મારા માનવા મુજબ શક્ય નથી. આ બાબત હવે દૂધમાં છાશ નખાઈ ગયા જેવી છે. છાશ નાખ્યા બાદ દૂધ દૂધ રહેતું નથી.”

નરેન્દ્ર ગઢવી પોતાની અરજી પરત ખેંચી લે તો? આ અંગે ઍડવોકેટ માંગુકિયા કહે છે, “અરજી પાછી ખેંચવાથી કેસને અસર થતી નથી. તે એક સાક્ષી છે અને સાક્ષીના ફરી કે હટી જવાથી કેસને કોઇ અસર થતી નથી. સાક્ષી ક્યારેય કોઈ કેસ પાછો ખેંચી શકતો નથી. મારી દૃષ્ટિએ કાયદાકીય રીતે આ કેસમાં હવે સમાધાનની શક્યતા નથી, કોર્ટના નિર્ણયની રાહ જોવી પડે.”

પાટીદાર અનામત આંદોલનના હાર્દિક સહિતના આંદોલનકારીઓ સામે લાગેલા રાજદ્રોહના આરોપ પાછા ખેંચવા અને સમાધાન કરવા રાજ્ય સરકાર પણ તૈયારી દર્શાવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ બાબતે રાજ્યના ગૃહવિભાગ દ્વારા ફરિયાદ પાછી ખેંચી શકાય તેમ ન હોવાનો અભિપ્રાય અપાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જીએમડીસી ગ્રાઉન્ડની રેલી પહેલાં પણ સરકાર દ્વારા સમાધાનની તૈયારીઓ દર્શાવાઈ હતી અને તે અંગે મિટિંગ પણ થઇ હતી, પરંતુ ત્યારે પણ કોઇ ને કોઇ કારણસર તે પડી ભાંગી હતી.

અનામતના ભોગે સમાધાન નહીં
હાલ પણ સરકાર સમાધાનના મૂડમાં છે. જ્યારે ‘પાસ’ના સભ્યો અનામતના ભોગે સમાધાન કરવા તૈયાર નથી. આ અંગે ‘પાસ’ કન્વીનર વરુણ પટેલ કહે છે, “સરકારે સમાધાન કરવું હોય તો અમે તૈયાર છીએ, પરંતુ અનામતના ભોગે નહીં. અનામતની લડાઇમાં અમે સમાજના દસ યુવાનો ગુમાવ્યા છે અને અન્ય યુવાનો હજુ પણ જેલમાં છે. હવે અમે સમાજને અનામત ન અપાવી શકીએ તો અમારા જેવા માયકાંગલા કોઇ ન કહેવાય.

અમે સરકાર સાથે કે એન્ટિ ગવર્નમેન્ટ માહોલ સાથે સમાધાન કરી શકીએ, આ આંદોલન માત્ર અમારું નહીં, ગુજરાતના પાટીદાર સમાજનું છે. આજે પણ રાજ્યના ખૂણેખૂણે વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમો ચાલી જ રહ્યાં છે. જે કોઈના કહેવાથી નહીં, પરંતુ પાટીદાર સમાજના લોકો સ્વયંભૂ જ વિરોધ કરી રહ્યાં છે. અનામત હવે સમાજની પ્રતિષ્ઠા અને હકનો પ્રશ્ન બની ગયું છે. આથી એન્ટિ ગવર્નમેન્ટ વૅવને કંટ્રોલમાં કરી શકીએ, પરંતુ હથિયાર હેઠાં નહીં જ મૂકીએ. જેલમાં રહેલા લોકો પણ અનામતના ભોગે સમાધાન કરવા તૈયાર નથી.”

સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર ચાલુ રહેશે
તો એસપીજીના લાલજી પટેલે પણ અનામતના ભોગે સમાધાન નહીં કરવાનું જણાવી કહ્યું કે, “સરકાર અનામત અંગે અસરકારક પગલાં લે તો અમે તૈયાર છીએ. જેલમાં રહેલા આંદોલનકારીઓને સરકાર મુક્ત કરે, પોલીસદમન માટે દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાય અને ખોટા કેસ કર્યા છે તે સરકાર પાછા ખેંચે. જોકે સરકાર બે મોઢાની વાતો કરી રહી છે. વડીલો સાથે મિટિંગ કરીને સમાધાન કરવાની તૈયારી દર્શાવવા સાથે બીજી તરફ ચાર્જશીટ ફાઇલ કરે છે. જેલમાં રહેલા આંદોલનકારીઓને છોડાવવા માટે અમે પણ કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ. અનામત અંગે ચોક્કસ પગલાં નહીં લેવાય ત્યાં સુધી સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે અને આંદોલન ચાલુ જ રહેશે.”

હવે સરકાર દ્વારા ફરીથી મંત્રણાની પહેલ કરવામાં આવી રહી છે, પરંતુ જેલમાં બંધ હાર્દિક સહિતના અગ્રણીઓ સામેની રાજદ્રોહનાં આરોપ મુદ્દે પોલીસ વિભાગ દ્વારા તહોમતનામું રજુ કરી દેવાતા મંત્રણાઓ પર પ્રશ્નાર્થ સર્જાયો છે અને સમગ્ર આમલો અવઢવમાં મુકાઈ ગયો છે.

પોલીસે કરેલા નુકસાનનું શું?
અનામત આંદોલન સંદર્ભે કોર્ટમાં જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી તેમાં જીએમડીસી ગ્રાઉન્ડની સભા બાદ થયેલા દેખાવમાં થયેલા નુકસાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. ચર્ચા થઈ રહી છે કે, ક્રાઇમબ્રાંચ દ્વારા અંદાજે ૪૪ કરોડની નુકસાની દર્શાવાઈ છે. જોકે આ આંકડામાં પોલીસ દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી તેનુુું શું? પોલીસ દ્વારા થયેલા નુકસાનનો આંકડો અલગથી ગણવામાં આવ્યો છે કે, પોલીસે પોતે કરેલી તોડફોડની નુકસાનીનો આંકડો પણ આ આંકડામાં જોડી દેવાયો છે? આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના એસીપી રાહુલ પટેલનો સંપર્ક કરવા વારંવાર પ્રયત્નો કરાયા હતા પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.

બહાર ન આવું ત્યાં સુધી સમાધાનની વાત નહીં
જેલમાં બંધ હાર્દિક એક તબક્કે સમાધાન માટે તૈયાર થયો હતો. જોકે રાજદ્રોહના આરોપ મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચે કોર્ટમાં તહોમતનામું રજૂ કરતા સમાધાનની શક્યતા ધૂંધળી બની છે. થોડાક દિવસ પહેલાં સુરતની લાજપોર જેલમાંથી સુરત જિલ્લાના કઠોર ખાતેની કોર્ટમાં હાર્દિકને રજૂ કરવા લવાયો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, “સરકાર ચાર્જશીટ દાખલ કરી રહી છે ત્યારે સમાધાન કેવી રીતે થાય? હું જેલમાંથી બહાર ન આવું ત્યાં સુધી સમાધાનની કોઈ વાત નહીં થાય.”

વરુણ પટેલ અને લાલજી પટેલના સંપર્કમાં આવ્યો અને તેમની વાતચીત પરથી મને સમજાયું કે, આ આંદોલન પાટીદાર સમાજ માટેનું છે. આ મામલે હાર્દિકની મુલાકાત પછી અરજી પાછી ખેંચવા તૈયાર થયો છુંં
નરેન્દ્ર ગઢવી – અરજકર્તા

હિરેન રાજ્યગુરુ

You might also like