હાર્દિક પટેલના મેડિકલ ટેસ્ટ કરાયા, તબિયત સુધારા પર

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વાર બુધવાર રાતથી અન્ન જળનો ત્યાગ કરાતં ગઇ કાલે રાત્રે તેની તબિયત લથડતાં સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગઇ કાલે રાત્રે તેને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા હતા.

હાર્દિકના વહેલી સવારે વિવિધ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા. હાર્દિકની તબિયત હાલ સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. પ્રિઝનર વોર્ડમાં હાલ તેને સારવાર અપાઇ રહી છે. હાર્દિક પટેલ દ્વારા અન્ન જળનો ત્યાગ કરાતાં તેની તબિયત લથડતાં તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે જેલમાં બાટલા ચડાવવા અને સમજાવવના પ્રયાસો કર્યા હતા, પરંતુ તે ન માનતાં તેને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને ગ્લુકોઝના બાટલા ચડાવાયા હતા અને કેટલાક પ્રાથમિક ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાર્દિકના કરાયેલા ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ જ વધુ માહિતીનો ખ્યાલ આવશે. હાલમાં તેની તબિયત સુધારા પર જ છે અને તેને પ્રિઝનર વોર્ડમાં જ દાખલ કરવામાં આવ્યો છે.

ગઇ કાલે મોડી રાતથી જ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ કરાતાં પાટીદારોના ટોળાં હોસ્પિટલ બહાર એકત્રિત થયાં હતાં. મોડી રાત સુધી પાટીદારો હોસ્પિટલ બહાર બેસી રહ્યા હતા, જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. હાલમાં હાર્દિકના ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે અને બાદમાં તેની વધુ સારવાર કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like