હાર્દિક એક-દોઢ માસમાં નહીં સુધરે તો ‘નવો નેતા’ શોધીશું

અમદવાદ: પાટીદારોને અનામત માટે રચાયેલી પાટીદાર અનામત અાંદોલન સમિતી- ‘પાસ’ના ટોચના નેતૃત્ત્વ વચ્ચેના ‘તડાં’ વધુ પહોળાં થયાં છે. ‘પાસ’ની કોર કમિટીના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે કન્વીનર હાર્દિક પટેલની નેતાગીરી સામે ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. હાર્દિક અને તેના પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરીને ક્રાંતિકારીમાંથી નેતા બનેલો હાર્દિક જો એક-દોઢ મહિનામાં નહીં સુધરે તો પાટીદાર સમાજ અને ‘પાસ’નો નવો નેતા શોધી કઢાશે તેવી ચીમકી પણ ચિરાગ પટેલ, કેતન પટેલે આપી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની કોર કમિટીના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે ગઈ કાલે હાર્દિક પટેલ પર ગંભીર આક્ષેપ કરતો પત્ર લખીને ભારે ખળભળાટ મચાવી દીધો છે. ચિરાગ પટેલ અને કેતન પટેલના ‘લેટર બોમ્બ’થી હાર્દિક પટેલની નેતાગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ખુદ ચિરાગ પટેલ અને કેતન પટેલે પોતાના એક સમયના જેલવાસના સાથી અને ‘પાસ’ના મુખ્ય સંયોજક હાર્દિક પટેલનો વિકલ્પ શોધવાની વિચારણા શરૂ કરી દીધી છે. કોર કમિટીના આ બંને સભ્યોનો ગઈ કાલનો લેટરબોમ્બ હાર્દિક પટેલની નેતાગીરીને ફગાવી કાઢવાની દિશામાં મંડાયેલું એક પગલું હતું.

‘સમભાવ મેટ્રો’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં ચિરાગ પટેલ અને કેતન પટેલ શબ્દો ચોર્યા વગર સોઇ ઝાટકીને કહે છે અગાઉ હાર્દિક ક્રાંતિકારી હતો પરંતુ હવે નેતા બની ગયો છે. એ નેતામાંથી પાછો ક્રાંતિકારી થાય તેની અમે એક-દોઢ મહિનો રાહ જોઈશું. જો તે આ સમયગાળામાં નહીં સુધરે તો ‘નવો નેતા’ શોધી કઢાશે.

હાર્દિકના કૌટુંબિક કાકા વિપુલભાઈ સમગ્ર આંદોલનને ‘હેન્ડલ’ કરી રહ્યા છે. હાર્દિકે સમાજના અાંદોલનને પારિવારિક બનાવી દીધું છે. આ લોકો પાસે આવકનું કોઈ સાધન ન હોવા છતાં વૈભવી જીવનશૈલી ધરાવે છે તેવો ગંભીર આક્ષેપ કરતાં ચિરાગ પટેલ અને કેતન વધુમાં કહે છે, હાર્દિકના એકતરફી નિર્ણયને પણ અમે માન્ય નહીં રાખીશું. હવે પછી હાર્દિક કોર કમિટીને િવશ્વાસમાં લઈને તમામ નિર્ણય કરવા પડશે.

બીજી તરફ હાર્દિક પટેલનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોઈ તેનો સંપર્ક થઈ શકતો નથી. જોકે ગઈકાલે મોડી રાત્રે હાર્દિક ફેસબુક અને ટ્વિટર પર શાયરાના અંદાજમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ‘આપે છે બધા જખ્મો પણ મને માફ કરવાની આદત પડી છે, બીજાને દોષ આપી શું કરું મને તો મારી જ શરાફત નડી છે.’ તેવો જવાબ હાર્દિકે સોશિયલ મીડિયાના માધ્યમથી આપતા તે બાબત પણ ચર્ચાસ્પદ બની છે.

હાર્દિકને સમાજ ખોટો નહીં માનેઃ મહિલા અગ્રણીઓ
ચિરાગ પટેલ અને કેતન પટેલના લેટર બોમ્બથી નારાજ ‘પાસ’ની મહિલા અગ્રણીઓ રેશમા પટેલ, રેખા પટેલ, નયના પટેલ, ગીતા પટેલ, નિમિષા પટેલ અને અરુણા પટેલ એક પત્રના માધ્યમથી કહે છે, આ પત્રોથી સમાજ હાર્દિક પટેલને ખોટો નહીં માને કેમ કે ત્યારે તમે બધા જેલમાં હતા ત્યારે પણ રૂ.૮૭ કરોડનો આક્ષેપ થયો હતો. સમાજને તેનો હક ન મળે ત્યાં સુધી એક બીજી પર આક્ષેપ લગાડ્યા વગર આંદોલન ચાલુ રાખવું જોઈએ.

હાર્દિક વિરુદ્ધના પુરાવા આપો તો તેને પણ આંદોલનની બહાર કરીશુંઃ લલિત વસોયા
સૌરાષ્ટ્ર ઝોનના ‘પાસ’ના કન્વીનર લલિત વસોયાએ ચિરાગ પટેલ અને કેતન પટેલને એક નિવેદનમાં ‘સરકારી એજન્ટ’ ગણાવ્યા છે. તેઓ કહે છે, સરકારના ઈશારે આંદોલનને ડેમેજ કરવા એ લોકો આવી હરકત કરશે જ તેની અમને ખબર હતી. જો હાર્દિક વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો આ લોકો અમને આપે. અમે હાર્દિકને પણ અાંદોલનની બહાર તૈયાર છીએ. પરંતુ તેઓ રાજકીય રોટલા શેકી રહ્યા હોઈ પાસની ટીમ હાર્દિક સામેના આક્ષેપોને ફગાવી દે છે.

હાર્દિક જ ‘પાસ’નો હીરો રહેશે: અભિક પટેલ
ઉત્તર ગુજરાતના મીડિયા સેલના કન્વીનર અભિક પટેલ કહે છે, ‘હાર્દિકે પાટીદાર અનામત આંદોલનને ચલાવ્યું અને આગળ ધપાવ્યું. હાર્દિક જ ‘પાસ’નો હીરો રહેશે. ચિરાગ અને કેતન અંગત મહત્વાકાંક્ષા સંતોષવા વિખવાદ ઊભી કરી રહ્યા છે.

એક સમયના ગુરુ લાલજી પટેલ પણ હાર્દિક નેતા બન્યો હોઈ દુઃખી
હાર્દિકના એક સમયના ગુરુ અને સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ પણ હાર્દિકને નેતા માને છે. તેઓ કહે છે. હવે તે રાજકીય ભાષા બોલવા લાગ્યો છે. અનામત અને શહીદો વિશે કંઈ બોલતો નથી. તેના એક સમયના સાથીઓ જો તેની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે તો કંઈક તથ્ય હશે તો કરતા હશેને! અને જો તેવું પુરવાર થશે તો તે સમાજનો ગુનેગાર બનશે.

સમાજ નવો નેતા નહીં સ્વીકારેઃ વસ્ત્રાલના અગ્રણી
વસ્ત્રાલના ‘પાસ’ના એક અગ્રણી હિતેશ પટેલ કહે છે, આ પ્રકારના આંતરિક મતભેદથી સમાજમાં ખોટા મેસેજ જાય છે. જોકે મને કેતનભાઈ અને ચિરાગભાઈના આક્ષેપમાં કોઈ દમ લાગતો નથી. જેના નામથી આંદોલન ચાલ્યું હોય તેના બદલે નવા નેતાને સમાજ નહીં સ્વીકારે.

You might also like