હાર્દિકે જાહેર કરેલા કાર્યક્રમો અંગે પાસના અાગેવાનો બેઠક યોજશે

અમદાવાદ: રાજસ્થાનના ઉદયપુરથી ગઇ કાલે પાટીદાર અનામત આંદોલન સમિતિના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતના પાટીદાર આંદોલનના સંદર્ભમાં નવા કાર્યક્રમોની જાહેરાત કરી છે. હાર્દિક પટેલના કાર્યક્રમોને આખરી ઓપ આપવા ‘પાસ’ના સ્થાનિક આગેવાનો ટૂંક સમયમાં બેઠક યોજશે. બહુચરાજીથી ઊંઝા સુધીની આગામી તા.૧૩ ઓગસ્ટે નીકળનારી પાટીદારોની એકતા યાત્રા માટે હાર્દિકને પૂછવામાં પણ ન આવતાં ‘પાસ’માં તડાં પડયાં હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ‘પાસ’ના કન્વીનર વરુણ પટેલે એકતા યાત્રા માટે હાર્દિકની સંમતિ લેવી જરૂરી નથી તેવું સ્પષ્ટપણે કહીને નવો વિવાદ ઊભો કર્યો છે. કોર કમિટીના સભ્ય ચિરાગ પટેલે પણ હાર્દિક આસપાસ ની ખોટી વ્યકિતઓથી ઘેરાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

ગઇ કાલે પણ ‘પાસ’ના અન્ય આગેવાનોની પત્રકાર પરિષદ ચર્ચાસ્પદ બની હતી. જોકે ઉદયપુરથી હાર્દિક પટેલે નવા કાર્યક્રમોની જાહેરાત કરીને પાટીદાર આંદોલનનું નવેસરથી રણશિંગું જ ફૂંકયું છે. હાર્દિક ગુજરાત બહાર હોઇ તેના કાર્યક્રમોને સફળ બનાવવાની જવાબદારી અહીંના આગેવાનોની છે. આ અંગે ચિરાગ પટેલને પૂછતાં તેઓ કહે છે કે, “હાર્દિકના કાર્યક્રમોમાં અમે જોડાઇશું તેમજ આ કાર્યક્રમોને આખરી ઓપ આપવા ટૂંક સમયમાં બેઠક યોજીશું. હું અત્યારે પણ કોર કમિટીનો સભ્ય જ છું.”

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકના નવા કાર્યક્રમો અનુસાર તા.૧૪ ઓગસ્ટે રાત્રે ૮થી ૯ દરમિયાન પાટીદાર વિસ્તારોમાં થાળી-વેલણ વગાડવાનો કાર્યક્રમ, તા.ર૭ ઓગસ્ટે રાત્રે ૮-૦૦ વાગ્યે પાટીદાર પરિવારના ઘરની બહાર દીપક પ્રજ્વલિત કરીને કેન્ડલ માર્ચ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ, તા.ર૭ ઓગસ્ટથી રાજ્યમાં જિલ્લા-તાલુકા સ્તરે આવેદનપત્ર આપીને અનામત અને યુવકો પરના પોલીસ કેસ પાછા ખેંચવાની માગણી કરતા કાર્યક્રમો યોજાશે.

You might also like