હાર્દિક પટેલને જરૂર પડી વ્હીલચેરની: સરકારનાં વલણ પર હવે નજર

અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણ ઉપવાસના આજે તેરમા દિવસે તેની તબિયત વધુ લથડી હતી. આજે સવારે તેને વ્હીલચેર પર બેસાડી લઈ જવાની ફરજ પડી હતી. બીજી તરફ હાર્દિક પટેલે આજ સાંજ સુધીમાં જો સરકાર વાતચીત નહીં કરે તો જળત્યાગની ચીમકી આપી છે. તેના આપેલા અ‌િલ્ટમેટમ પર સરકાર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

હાર્દિકે ગઇ કાલે સરકારને અ‌િલ્ટમેટમ આપતાં કહ્યું હતું કે જો ૨૪ કલાકમાં સરકાર તેની માગણીઓને લઈને વાતચીત નહીં કરે તો તે જળનો ત્યાગ કરશે.

૨૪ કલાકના અ‌િલ્ટમેટમના પગલે આજે સાંજે સરકાર હાર્દિકની માગ અને અ‌િલ્ટમેટમ પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. દરમિયાનમાં આજે સવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી અને તેના ખબરઅંતર પૂછયા હતા.

આજે સવારે પણ સોલા સિવિલની ટીમ દ્વારા હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સવારે દિલ્હી પહોંચ્યા છે. આજે દિલ્હી ખાતેની બેઠક દરમિયાન તેઓ વડા પ્રધાનનું આ મુદ્દે માર્ગદર્શન મેળવે તેવી શક્યતા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા કેન્દ્રીય નેતાઓને પણ મળશે.

તેઓ બપોરે પરત ફર્યા બાદ સાંજે ચાર વાગે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય આગેવાનોને મળશે અને હાર્દિક પટેલ બાબતની રજૂઆત સાંભળશે. ત્યાર બાદ આજે સાંજે મળનારી કેબિનેટ બેઠકમાં હાર્દિક પટેલના ઉપવાસ અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

You might also like