હાર્દિક પટેલ ગુજરાત બહાર, રાજસ્થાનમાં કરાયું સ્વાગત

અમદાવાદ: જેલમાંથી મુક્ત થયા બાદ ગુજરાતના અલગ અલગ શહેરમાં રેલીના આયોજન બાદ હાર્દિકે ગુજરાત છોડીને રાજસ્થાન પહોંચી ગયો છે. જો કે હાર્દિક કોર્ટની શરત મુજબ ગુજરાતમાં 48 કલાક પૂર્ણ કરીને રાજસ્થાન પહોંચ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં પ્રવેશે એ પહેલા વિરમગામમાં પોલીસે તેનો કબજો લઈ લીધો હતો. તેની સાથે વાતચીત કરીને તેનો રૂટ ચેન્જ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે તેને તેની જ ગાડીમાં હિંમતનગર રૂટ પરથી રાજસ્થાન ગુજરાતની હદ બહાર કરવા માટે વિરમગામથી સીધો જ અમદાવાદ, ગાંધીનગર થઈ હિંમતનગર, શામળાજીના માર્ગે ઉદયપુર તરફ લઈ જવાયો હતો. ગુજરાત પાર કરીને રતનપુર બોર્ડરથી રાજસ્થાનમાં પ્રવેશ્યો હતો ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે તે ઉદેયપુરમાં 6 મહિના રહેશે.

હાર્દિક પટેલના 11 વાગ્યે ગુજરાત બહાર જવાનું હોવાથી ઉત્તર ગુજરાતના તમામ કાર્યક્રમ રદ થયા હતાં. પાટણ-બનાસકાંઠામાં આજે હાર્દિકની રેલીઓ હતી. પણ 11 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્ય છોડવાનું હોવાથી આ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતાં. તેથી હાર્દિક પટેલે ઉત્તર ગુજરાતના પાટીદારોની માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિકના આગમનથી ઉત્તર ગુજરાતના પાટીદારોમાં ઘણો ઉત્સાહ હતો.જો કે હાર્દિકે તેમ પણ કહ્યું હતું કે આવનારા દિવસોમાં તે 3D સભા કરશે. જેથી સતત પોતાના સમાજના સંપર્કમાં રહેશે. તેમજ આંદોલનને વેગ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરશે. તે રાજસ્થાનમાં રહીને ગુજરાતમાં રણનીતિ કરશે.

છેલ્લા નવ મહિનાથી લાજપોર જેલમાંથી નીકળેલ મૂળ વિરમગામનો હાર્દિક પટેલ હવેથી 190, શ્રીનાથનગરની બાજુમાં, માઉન્ટ વ્યૂ સ્કૂલ, એરપોર્ટ રોડ, ધુજુ કી બાવડી ઉદયપુર, રાજસ્થાન ખાતે રહેશે. જે રાજસ્થાનના કોંગ્રેસના ભૂતપૂર્વનું ઘર છે. પુષ્કરલાલ ડાંગી રાજસ્થાનના કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. ડાંગી 2008માં કોંગ્રેસની ટિકીટ પર ઉદયપુર જિલ્લાની માલવી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. 2008થી 2013 સુધી તે ધારાસભ્ય હતા.

નોંધનીય છે કે નવ મહિનાના જેલવાસ બાદ હાર્દિક મુક્ત થયા બાદ તેના વતન વિરમગામ ખાતે તેના ઘરે પહોંચ્યો હતો. હાર્દિકના ગ્રૃહપ્રવેશ સાથે જ હાર્દિકના ગામમાં ઉત્સવનો માહોલ છવાઇ ગયો હતો.

You might also like