હાર્દિક પટેલની જામીનઅરજીનો આજે ચુકાદો આવે તેવી શક્યતા

અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલ સાત માસથી રાજદ્રોહના ગુનામાં જેલમાં હોઇ જામીન મેળવવા માટે કરેલી અરજીમાં સેશન્સ કોર્ટના એડીશનલ સેશન્સ જજ એન.જી.દવે આજે ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે. બપોર બાદ હાર્દિકની જામીનઅરજીનો ચુકાદો આવનાર હોઇ પાટીદારો અને સરકારની તેની ઉપર નજર રહેશે. ચાર્જશીટ બાદ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં પોતે નિર્દોષ હોઇ સરકારે ખોટી રીતે જેલમાં રાખ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

જ્યારે સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે જેલમાં રહીને સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી રહ્યો છે. જો જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી. જ્યારે ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બાંભણિયાઅે કરેલી જામીનઅરજીની સુનાવણી આવતીકાલ તા.૯ માર્ચના રોજ રાખવામાં આવી છે.

પાસના કન્વીનર હાર્દિક પટેલની રાજદ્રોહના ગુના હેઠળ શહેર ક્રાઈમ બ્રાન્ચે સાત માસ અગાઉ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. દરમ્યાનમાં ક્રાઈમ બ્રાન્ચે ર૭૦૦ પાનાંની ચાર્જશીટ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં પ૦૩ જેટલા સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા હતા. બીજી તરફ હાર્દિક પટેલે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં પાંચ મુદતો બાદ ક્રાઈમ બ્રાન્ચે એફિડેવિટ કરી હતી. જેમાં હાર્દિક પટેલ વિરુદ્ધ શું પુરાવા છે અને તેને જામીન નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના વકીલે કોર્ટ સમક્ષ રજૂઅાત કરીને પાટીદાર અનામત અાંદોલન દરમિયાન થયેલા તોફાનો માટે ચિરાગ, કેતન અને દિનેશને જવાબદાર ઠેરવ્યા હતા.

You might also like