સરકાર માટે હાર્દિક ફરીથી જોખમી નિવડશે?

પાટીદાર અનામત આંદોલન બીજા તબક્કામાં જોર પકડી રહ્યું છે. હાર્દિક પટેલને જેલમુક્ત કરાવવા પાટીદારો પુનઃ એક બની રહ્યાંના અહેવાલો મળી રહ્યાં છે. સરકારે અનામત આંદોલનને શાંત પાડવા ૭૪ પોલીસ ફરિયાદો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે હાર્દિકે જેલમાંથી જ મુખ્યમંત્રીને લખેલા પત્રથી સ્પષ્ટ થાય છે કે, તે સરકાર સામે લડી લેવાના મૂડમાં જ છે. જેલની દીવાલો હાર્દિકના મનોબળને તોડવામાં નિષ્ફળ ગઇ છે.જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

સી.એમ.ઓ.ના એક ઉચ્ચાધિકારીના મતે જેલમાંથી નિકળ્યા બાદ હાર્દિક હીરો તરીકે બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. જેથી સરકારે અત્યારથી જ પાટીદાર સમાજના અગ્રણી નેતાઓ સાથે સીધો સંવાદ શરૂ કર્યો છે. જો કે પાટીદારો સાથે સમાધાન થાય તે માટે સરકાર ૭૪ પોલીસ ફરિયાદો પાછી ખેંચવાની વાત કરી રહી છે ત્યારે ગૃહ વિભાગે વધુ બે પાટીદાર યુવાનો સામે આકરી કલમો લગાવી બનેલી બાજી બગાડી હોવાનો મત આ અધિકારીએ વ્યક્ત કર્યો છે.

તેઓના મતે આઇ.બી.દ્વારા મળેલા ઇનપુટ પ્રમાણે હાર્દિક જેલમાંથી મુક્ત થતાં જ આંદોલન ફરીથી ઉગ્ર બનશે. જેમાં હાર્દિક અને તેના સાથીદારોના નિશાન પર સીધાં જ મુખ્યમંત્રી અને કેબિનેટ પ્રધાન નીતિન પટેલ હશે.આથી અત્યારથી જ રાજકીય ગણિતનાં મંડાણ શરૂ થયાંની ચર્ચાએ સચિવાલયમાં જોર પકડ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી ફરી આમનેસામને
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે પહેલાંથી જ મનમેળ ઓછો રહ્યો છે. જોકે અમદાવાદના મેયર તરીકે અમિત શાહના ચુસ્ત ટેકેદાર ગૌતમ શાહની વરણી બાદ બંને નેતા વચ્ચે મનમેળ વધશે તેવા સંકેતો મળતાં હતા.

અમદાવાદમાં એકબીજાના ટેકેદારોને રાજકીય રીતે પતાવટ કરવાનું ચાલતું કોલ્ડ વૉર શાંત પડશે તેવું ભાજપના જ નેતાઓ માનતાં હતા, પરંતુ હવે પુનઃ બંને નેતાઓ વચ્ચે ખેંચતાણ વધે તેવા રાજકીય સંકેતો મળી રહ્યા છે. ભાજપનાં સૂત્રો મુજબ આ ખેંચતાણ માટે મેયર ગૌતમ શાહ જ જવાબદાર બને તેવું લાગી રહ્યું છે. ગૌતમ શાહનો કોર્પોરેશન વેરો ભરવાનો બાકી હોવા છતાં ચૂંટણીમાં એન.ઓ.સી.મેળવી લીધી હતી, જેનો મોટો વિવાદ ઊભો થયો છે.

કોંગ્રેસ તો સ્વાભાવિક રીતે મેયર સામે બાંયો ચઢાવે પણ હવે આનંદીબહેન પટેલનું જૂથ પણ મેદાને પડ્યું હોવાનું સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગૌતમ શાહને વેરો ભરવાનો બાકી હોવાનો ઉલ્લેખ તેમના જ મિત્રવર્તુળમાં થયો હતો. જોકે ત્યારે આ વાતને દબાવી દેવામાં આવી હતી, પરંતુ મેયરપદ સંભાળ્યા પછી આ વાત બહાર પાડવામાં ભાજપના જ એક જૂથનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે.

પોતાના ચુસ્ત ટેકેદાર પર થઇ રહેલા રાજકીય હુમલાના બચાવમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતે પણ મેદાનમાં આવે તેવી સંભાવનાઓ ભાજપના નેતાઓ જોઈ રહ્યા છે.

આઇપીએસ વિપુલ વિજોય સામેની તપાસઃસાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે
આઇ.પી.એસ.વિપુલ વિજોય દ્વારા ૧૫ પોલીસ કર્મચારીઓને બંધક બનાવવાના કેસમાં જાન્યુઆરી માસના અંત સુધીમાં પગલાં લેવાય તેવી સંભાવના છે. આ કેસની તપાસટીમે ગૃહવિભાગને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરાયા છે. રિપોર્ટના આધારે ગૃહવિભાગે વિજોય સામે ફરજિયાત  પગલાં ભરવાં પડે તેવી સંભાવના છે.

વિપુલ વિજોય દ્વારા પોલીસ કર્મચારીઓને બંધક બનાવવાની ઘટનાએ પોલીસબેડામાં હલચલ મચાવી હતી. આથી ગૃહવિભાગે વિજોયને તાકીદે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો અને કેસની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપાઈ હતી. જો કે હોમગાર્ડ્સ કમાન્ડરના ચીફ પોતાની વિરુદ્ધ હોવાની વિપુલ વિજોયની રજૂઆત પછી ગૃહવિભાગે આ તપાસ આઇ.પી.એસ. અધિકારી ગીથા જોહરીની તપાસટીમને સોંપી હતી. આ તપાસટીમે બંધક પોલીસ કર્મચારીઓ અને વિપુલ વિજોય તથા તેમનાં પત્નીનાં નિવેદન નોંધી પોતાનો રિપોર્ટ ગૃહવિભાગને સોંપી દીધો છે.

રિપોર્ટમાં આઇ.પી.એસ.અધિકારીઓને મળતાં પોલીસ સ્ટાફની સ્થિતિ અંગે ટીકા કરાયાની સાથે વિજોય અને તેમનાં પત્નીના વર્તન સામે આંગળી ચીંધાઈ છે. હાલ આ રિપોર્ટ ગૃહવિભાગ પાસે આવ્યો છે, જોકે ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજા રજા પર હોવાથી તેઓના આવ્યા બાદ જ રિપોર્ટ સંદર્ભે ચર્ચા-વિચારણા થશે. સૂત્રોનું માનીએ તો તપાસટીમ દ્વારા રિપોર્ટમાં વિજોયના બચાવનો પ્રયાસ પણ કરાયો છે.

જે ગેરેજમાં બંધક બનાવ્યા હોવાનો ઉલ્લેખ છે તે ગેરેજને દરવાજો નહીં હોવાથી બંધક શબ્દ સામે વાંધો લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જો કે ગૃહવિભાગ આ રિપોર્ટના આધારે આઇ.પી.એસ.અધિકારી માટે પોતાના હાથ નીચેના સ્ટાફ સાથે કામ લેવા અને પોલીસ કર્મચારીઓ માટે ગાઇડલાઇન પ્રસિદ્ધ કરે તેવી સંભાવના પ્રબળ હોવાની સૂત્રોની જાણકારી મળી રહી છે.

હિતલ પારેખ

You might also like