હાર્દિકને મળ્યા શરતી જામીન, ગુજરાત બહાર જવા પર પ્રતિબંધ

પાટણ નવજીવન હોટલ ખાતે ગત ૨૬ તારીખનાં રોજ સાંજે મહેસાણાનાં પાસનાં કન્વીનર નરેન્દ્ર પટેલ સાથેનાં ઝગડાને લઈ હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા તેમજ મહેશ પટેલ સહિતનાં કુલ દશ લોકો સામે લુંટ તેમજ મારામારીની પાટણ બી.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં હાર્દિક સહીત કુલ ત્રણ લોકોની પાટણ પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજુ કરતાં તેઓને પાટણની સુજનીપુર સબ જેલ ખાતે રાખવાનો કોર્ટે હુકમ કરેલો. જે અંગે હાર્દિકનાં વકીલ દ્વારા રેગ્યુલર જામીન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેનાં ભાગ રૂપે આજ રોજ પાટણની સેસન્શ કોર્ટમાં હાર્દિકનાં વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી રજૂ કરાઇ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાભળીને હાર્દિક, દિનેશ તેમજ મહેશ પટેલને રૂ.૧૫,૦૦૦નાં શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જેમાં આ ત્રણેયને પાટણની હદમાં કોર્ટની પરવાનગી વગર પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને ત્રણેયને તેઓનાં મોબાઈલ નંબર તેમજ પોતાનાં રહેઠાણનાં પુરાવા કોર્ટમાં આપવા સહીતનાં શરતી જામીન પર મુક્ત કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ હાર્દિક ગુજરાત બહાર નહીં જઇ શકે તેવી શરતે શરતી જામીન અપાયાં હતાં. હાર્દિકને જામીન મળતાં પાટણનાં પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે ટૂંક સમયમાં હાર્દિકનાં વકીલો સબજેલમાંથી હાર્દિકને લેવા તેમજ જરૂરી કાર્યવાહી કરીને હાર્દિકને સુજનીપુર જેલ ખાતે લેવા જવા રવાના થયા હતાં.

ઉલ્લેખનીય છે કે મારામારી કેસમાં સુરત પોલીસે પાટણ પોલીસને માહિતી આપી હતી કે  હાર્દિક અને તેનો સાથી વરૂણ પટેલ સુરતથી આણંદનાં વલ્લભ વિદ્યાનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતાં. જેથી પાટણ પોલીસે આણંદ પોલીસને તેની ધરપકડ કરવા જણાવ્યું. બાદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર થઈને ચિખોદરા ચોકડી પર હાર્દિક પટેલની આણંદ પોલીસે ધરપકડ કરી હતી.

You might also like