હાર્દિક પટેલે આખરે જીદ છોડી ત્રણ દિવસ બાદ પાણી પીધું

અમદાવાદ: પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલના આમરણ ઉપવાસના આઠમા દિવસે આજે સવારે તેણે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીના હાથે પાણી ગ્રહણ કર્યું હતું. ત્રણ દિવસ પહેલાં તેણે પાણીનો પણ ત્યાગ કર્યો હતો.

છેલ્લા આઠ દિવસથી હાર્દિક પટેલના ખેડૂતને દેવાં માફી અને પાટીદારોને અનામતના મુદ્દે આમર ઉપવાસ ચાલી રહ્યા છે. ઉપવાસ પર ઊતરેલા હાર્દિક પટેલે ત્રણ દિવસ પહેલાં પાણીનો પણ ત્યાગ કર્યો હતો. પાણીનો ત્યાગ કરતાં તેની તબિયત લથડવા મંડી હતી.

તેના વજનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે કોંગ્રેસના ધારાસભ્યો, કાઉન્સિલરો અને અગ્રણી નેતાઓએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલને પાણી લેવા સમજાવ્યાે હતાે.

છતાં પણ હાર્દિક અડગ રહ્યો હતો. ગઢડા સ્વામિનારાયણના મહંત એસ.પી. સ્વામી પણ હાર્દિક પટેલને મળવા પહોંચ્યા હતા. તેઓએ પણ હાર્દિક પટેલને પાણી લેવા સમજાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોરે પણ પાણી લેવા અનુરોધ કર્યો હતો.

મહંત એસ.પી. સ્વામીની સમજાવટ બાદ આજે સવારે હાર્દિક પટેલે એસ.પી. સ્વામીના હાથે પાણી ગ્રહણ કર્યું હતું,. આજે સવારે પણ તેનું હેલ્થ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સાત કિલો જેટલો વજનનો ઘટાડો જણાયો હતો. વજન અને શુગરમાં ઘટાડો જ્યારે યુરિન એસિટોનમાં વધારો જોવા મળ્યો છે. હાર્દિક પટેલે બ્લડ અને યુરિન સેમ્પલનો ઈનકાર કર્યો હતો.

You might also like