સરકારે લોકોને ગુમરાહ કર્યા, અમારું અાંદોલન ચાલુ રહેશે

અમદાવાદ: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરાઇ હતી. ઉપલી જ્ઞાતિ માટેની આ ૧૦ ટકા ઇબીસી અનામત જાહેર થવાની સાથે જ ભારે ચર્ચાસ્પદ બની હતી. પાટીદારો માટે ઇબીસી અનામત માટે આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓએ ઇબીસી અનામતને તે વખતે જ લોલીપોપ ગણાવી હતી. આજે હાઇકોર્ટ દ્વારા આર્થિક અનામતને ગેરબંધારણીય જાહેર કરતાં હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આંદોલન ચાલુ રાખવાનું એલાન આપતાં આગામી દિવસોમાં રાજ્યમાં પાટીદાર આંદોલન વધુ ઉગ્ર બને તેવાં એંધાણ જણાય છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ૧૦ ટકા આર્થિક અનામતને કેટલાક અરજદારોએ હાઇકોર્ટમાં પડકારી હતી. આ અરજદારોની પીઆઇએલના સંર્દભે આજે હાઇકોર્ટે ૧૦ ટકા આર્થિક અનામત ગેરબંધારણીય જાહેર કરી છે. હાઇકોર્ટના ચુકાદાના સંદર્ભમાં પાસના કન્વીનર હાર્દિક પટેલે ઉદયપુર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ અને ન્યાયતંત્ર મહાન છે. હાઇકોર્ટે સમાજનાં હિતમાં નિર્ણય આપ્યો છે.

આર્થિક અનામતની જાહેરાત કરીને સરકારે ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અમે આંદોલન ચાલુ રાખીશું. કોઇ પણ સરકાર આવે અમારી લડત ચાલુ રહેશે. અમને અનામત મળશે તેવો વિશ્વાસ છે. જ્યારે એસપીજીના અગ્રણી લાલજીભાઇ પટેલ કહે છે, અમને ખબર જ હતી કે આ જોગવાઇ હટાવાશે. સમાજ દુઃખની લાગણી અનુભવે છે.

દરમ્યાન સૌરાષ્ટ્ર ઝોનના પાસના કન્વીનર લલિત વસોયા કહે છે કે હાઇકોર્ટે આપેલો ચુકાદો અપેક્ષિત જ છે જ્યારે સરકારે ઇબીસી જાહેર કરી ત્યારે જ કહ્યું હતું કે ઇબીસી ગેરબંધારણીય છે. પરંતુ પાટીદાર સમાજના કહેવાતા હરખપદુડા આગેવાનો સમાજને શરમાવા નીકળ્યા હતા. હવે વિઠ્ઠલ રાદડિયા, નરેશ પટેલ અને જેરામ પટેલનું સમાજને શું કહેવું છે ? હવે જો તમને તમારી ભૂલ સમજાઇ હોય તો સમાજની માફી માગો.

જ્યારે પાસના અગ્રણી રેશમા પટેલે કહ્યું છે કે, આ સરકારી લોલીપોપ હતી જે પીગળી જવાની હતી. રાજ્ય સરકારે આંદોલન તોડવા ઇબીસી આપવાનાં નાટકો કર્યાં. અમે કોંગ્રેસને પૂછવા માગીએ છીએ કે તમે એમ કેમ કહ્યું કે, અમારી સરકાર લઇ આવો તો ૯૦ દિવસમાં ર૦ ટકા ઇબીસી આપીશું. હવે તો હાઇકોર્ટે જ રદ કરી નાખી તો તમે તમે અમારા માટે શું કરશો. દિનેશ બાંભણિયાએ કહ્યું કે, પાટીદાર સમાજ અને સવર્ણ જ્ઞાતિને ભાજપ સરકારે એક વધારાનો ઘા કરીને તેમાં મીઠું ભભરાવવાનું કાર્ય કર્યું છે. સમાજને મૂર્ખ બનાવવાનું બંધ કરીને બંધારણીય રીતે અમને અનામત આપો. અન્ય પાટીદાર અગ્રણીઓએ પણ ઇબીસી અનામતને ગેરબંધારણીય ગણાવતા પાટીદાર આંદોલનને વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપ્યા છે.

You might also like