Video: હાર્દિકનો બીજો કથિત વીડિયો વાયરલ, મુંડનવાળો હાર્દિક જોવા મળ્યો, હાર્દિક સાથે અન્ય 2 યુવાનો પણ

પાસના કન્વીનર હાર્દિક પટેલનો સોમવારે એક કથિત વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બાદ હવે મંગળવારે પણ હાર્દિકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ કથિત વીડિયોમાં 3 યુવક અને 1 યુવતી દેખાઈ રહી છે. આ વીડિયો 22 મે રાત્રે 11 વાગ્યા પછીનો છે અને આ વીડિયોમાં હાર્દિકે મુંડન કર્યુ હોય તેવુ પણ દેખાઈ રહ્યું છે. (જો કે વીટીવી આ વીડિયોની પુષ્ટિ કરતી નથી..)

ઉલ્લેખનીય છે કે, સોમવારે હાર્દિકનો કથિત વીડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. એક તરફ કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપી તેના પક્ષમાં બોલી રહી છે અને કહી રહી છે કે, આ વીડિયો ભાજપનુ એક ષડયંત્ર છે. બીજી તરફ ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી.

હાર્દિકે પણ પોતાના પક્ષમાં નિવેદન આપતાં કહ્યું હતું કે, તેના પર લગાવવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા છે અને આ કથિત સીડીને વિદેશથી અપલોડ કરી તેને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાર્દિકે કહ્યું છે કે, આ સમગ્ર ષડયંત્ર ભાજપનું છે. ચૂંટણીનો માહોલ છે એટલે મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે આવી ખોટી સીડીઓથી કાંઈ ફરક પડવાનો નથી. આગામી 18મીએ અમે અમારા પુરાવા સામે રાખીશું. હવે આ મામલે આગામી ચૂંટણીમાં શું ફરક પડશે તે આગામી દિવસોમાં જોવાનુ રહેશે.

હાર્દિક મુંડન કરાવેલો જોવા મળ્યો, બોટાદમાં કરાવ્યું હતું મુંડન
21મી મેના રોજ કરાવ્યું મુંડન અને 22મી મેના રોજનો વીડિયો..
પાટીદાર સમાજ દ્વારા સરકારના વિરોધમાં બોટાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સહિતના કાર્યકરોએ મુંડન કરાવ્યું હતું. પાસના કાર્યકર્તાઓ દ્વારા અનામત આંદોલન જેવી વિવિધ પ્રવૃતિઓ કરી સતત પાસ દ્વારા સરકારના વિરોધનાં કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે 21 મેના રોજ સરકારના વિરોધમાં હાર્દિક સહિતના કાર્યકરોએ મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો હતો.

શું છે બીજા કથિત વીડિયોમાં?
વીડિયોમાં હાર્દિકની સાથે અન્ય 2 યુવાનો અને 1 યુવતી જોવા મળી રહી છે. યુવતી વીડિયોમાં હિન્દી ભાષા બોલી રહી છે. યુવકો એનર્જી ડ્રિંક પી રહ્યા છે. વીડિયો 22મે, 2017નો છે. એક યુવકના હાથમાં વિદેશી દારૂની બોટલ જોવા મળી રહી છે.

ભરતસિંહ સોલંકીએ આપી પ્રતિક્રિયા
ભરતસિંહ સોલંકીએ હાર્દિકનો બચાવ કરતાં કહ્યું હતું કે, આ ભાજપનું ષડયંત્ર છે. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપ હવે હાર ભાળી ગઈ છે, તેથી લોકોના ચારિત્ર્યનું હનન કરવાનું કાવતરું ઘડી રહી છે.’

શું છે પાટીદારોની પ્રતિક્રિયા?
સુરતમાં પાટીદાર મહિલાઓએ પણ હાર્દિક પટેલનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, હાર્દિક અમારો ભાઈ છે. તે આવું કરી જ ના શકે. જો વીડિયોમાં હાર્દિક હશે, તો પણ અમે તેની સાથે જ છીએ.

હાર્દિક પટેલનો બીજો કથિત વીડિયો….

હાર્દિકના વીડિયો પર મનીષ દોશીની પ્રતિક્રિયા…

You might also like