ચક્કાજામના કેસમાં હાર્દિકને કોર્ટમાં કરાયો હાજર, લાલજી પટેલનું નામ લીધા વગર કર્યા પ્રહાર

સુરત: સુરત જીલ્લાના કામરેજ નજીક હાઈ વે પર ચક્કાજામ કરવાના મામલે આજે ફરી હાર્દિક પટેલને કામરેજની કઠોર કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે વધુ સુનાવણી આગામી 11મી ઓગસ્ટ પર મુલતવી રાખી હતી. હાઈ વે ચક્કાજામ કરવાના મામલે કઠોર કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે જજે ટકોર કરતાં જણાવ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કુલ નવ આરોપીઓમાંથી માત્ર પાંચ આરોપીઓ જ હાજર રહ્યાં હતાં.

હાર્દિક પટેલે કોર્ટ પરિસરમાં જયેશ પટેલને કાનૂની સજા સાથે-સાથે નામ લીધા વિના લાલજી પટેલ વિરૂદ્ધ નિવેદન કર્યું હતું. લાલજી પટેલનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, સિક્કાની બે બાજુ હોય છે. જેથી સરકારની વાહ વાહી કરનારને મારે કંઈ કહેવું નથી. મહત્વપૂર્ણ છે કે, લાલજી પટેલે ભાજપના નેતાઓને મળીને આંદોલન સ્થગિત થવા અંગેનું નિવેદન કર્યું હતું.

થોડા સમય અગાઉ દુષ્કર્મના આરોપી જયેશ પટેલ વિરુધ્ધ જેલમાંથી પત્ર લખનાર હાર્દિકે આજે ફરીથી કઠોર કોર્ટમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ડો. જયેશ પટેલ જેવા દુષ્કર્મના આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. જેથી કરીને શિક્ષણધામમાં ચાલતાં ગોરખધંધા પર અંકુશ મેળવી શકાય.

ચક્કાજામના મામલે હાર્દિક પટેલને અનેક વાર કામરેજની કઠોર કોર્ટમાં રજુ કરાયા બાદ ગત ફેબ્રુઆરી માસમાં કામરેજના કેસમાં શરતી જમીન મળી ગયા હતા. હવે કોર્ટની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે આજે ફરી વખત હાર્દિકને પોલીસ જાપ્તા હેઠળ કઠોર કોર્ટમાં લવાયો હતો. જ્યાં નામદાર કોર્ટે આગામી વધુ સુનાવણી માટે 11 ઓગસ્ટના રોજ હાજર રહેવા માટે જણાવ્યું હતું.

You might also like