હાર્દિક પટેલે પાણીનો પણ ત્યાગ કર્યો, હોસ્પિટલમાં દાખલ થવા સલાહ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના આમરણ ઉપવાસના આજે છઠ્ઠા દિવસે તેણે પાણીનો પણ ત્યાગ કર્યો છે. આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા હાર્દિકનું ચેકઅપ કરાયું હતું જેમાં તેનું સિરમ એસિટોમનું પ્રમાણ વધુ હોવાનું જણાયું હતું.

ડોકટરે તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.  આજથી તેણે પાણીનો પણ ત્યાગ કર્યો હોવાથી તેના શરીર માટે હાનિકારક હોવાનું ડોકટરે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં તેનું ૪.પ કિ.ગ્રા. વજન ઘટ્યું છે. પાણીનો ત્યાગ કરવાથી તેની કિડની અને હૃદય પર અસર થઇ શકે છે.

જેથી ડોકટરે તેને પાણી અને લિક્વિડ લેવાની સલાહ આપી છે. હાર્દિક પટેલે પોતાના આમરણ ઉપવાસના છઠ્ઠા દિવસથી સરકાર પર દબાણ ઊભું કરવા હવે પાણીનો પણ ત્યાગ કર્યો છે. એક તરફ હાર્દિક પટેલના સમર્થકોને હાર્દિકના ઘર સુધી પહોંચવા દેવાતા નથી. જેને લઇ તેના સમર્થકોએ હવે પોતાના શહેરો અને ગામોમાં ઉપવાસ શરૂ કરી દીધા છે.

You might also like