હાર્દિક પટેલ, દિનેશ બાભણિયાને પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના પાટણના કન્વીનરને માર મારવાના અને લૂંટના કેસમાં ગઈ કાલે રાતે પોલીસે હાર્દિક પટેલની અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર આંણદ નજીકથી ધરપકડ કરી હતી જયારે દિનેશ બાભણિયાની રાજકોટથી ધરપકડ કરાઈ છે. બંને આરોપીને આજે પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાર્દિકની ધરપકડને લઇ અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

પાટણમાં પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ સાથે મારામારી મામલે ગત રાતે હાર્દિક અને દિનેશ બાભણિયાની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડના પગલે વિજાપુર- વીસનગર હાઇવે પર ટોળાંએ ટાયરો સળગાવી રોડ બ્લોક કરી દીધો હતો. ધરપકડના પગલે અન્ય કોઈ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસ રમ દ્વારા તાત્કાલિક તમામ પોલીસ સ્ટેશનમાં ફેક્સ મેસેજ કરી અને એલર્ટ રહેવા સૂચના આપી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગના આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે ગત મોડી રાતે અમદાવાદના પાટીદાર પ્રભાવિત વિસ્તાર એવા રામોલ, ઘાટલોડિયા, નારણપુરા, નિકોલ, બાપુનગર અને ન્યૂ રાણીપમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજે પોલીસ હાર્દિક અને દિનેશ બાભણિયાને પાટણ કોર્ટમાં રજૂ કરશે.જેથી આજે સવારથી પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

You might also like