જ્યારે અંતિમ ઓવરમાં હાર્દિકને ઇજા થતાં વિરાટ થયો પરેશાન…

તિરુવનંતપુરમ્ઃ ભારતે ગઈ કાલે અતિ રોમાંચક બનેલી ટી-૨૦માં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણી ૨-૧થી જીતી લીધી. વરસાદ અને ભીના ગ્રાઉન્ડને કારણે મેચ લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ. આથી મેચ આઠ-આઠ ઓવરની કરી દેવામાં આવી હતી. પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ભારતે પાંચ વિકેટે ૬૭ રન બનાવ્યા હતા. ભારત તરફથી મનીષ પાંડેએ સૌથી વધુ ૧૭, હાર્દિકે અણનમ ૧૪ અને કેપ્ટન વિરાટે ૧૩ રનનું યોગદાન આપ્યું. ભારતીય ઇનિંગ્સમાં ફક્ત ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ નિર્ધારિત આઠ ઓવરમાં છ વિકેટે ૬૧ રન જ બનાવી શકી હતી.

મેચ પૂરી થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ”અમે આ ગેમથી સાચે જ ખુશ છીએ. અહીંના દર્શકો નિશ્ચિત રૂપથી જીતના હકદાર હતા. જ્યારથી વન ડે શ્રેણીનો પ્રારંભ થયો છે ત્યારથી અમે ન્યૂઝીલેન્ડને જોરદાર પડકાર આપવાની અપેક્ષા કરી રહ્યા હતા. પીચને લઈને અમે શરૂઆતમાં થોડા નર્વસહતા. અમે વિચાર્યું હતું કે અમે રન ચેઝ વધુ સારી રીતે કરી શકીએ છીએ, પરંતુ થોડા સમયમાં જ અમે સમજી ગયા કે અહીં રન ચેઝ આસાન નથી. હાર્દિકે અંતિમ ઓવર શાનદાર રીતે કરી. જ્યારે હાર્દિકને થોડી ઈજા થઈ ત્યારે મને લાગ્યું હતું કે મેચ ગઈ… હું હાર્દિકની ઓવરના એ ચાર બોલ કોની પાસે ફેંકાવત? અહીંનું સ્ટેડિયમ બહુ જ સુંદર છે, આઉટફિલ્ડ શાનદાર છે અને દર્શકોએ આ મેચને ખાસ બનાવી દીધી.”

જ્યારે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને કહ્યું, ”સૌથી પહેલાં તો હું અહીંના ગ્રાઉન્ડ સ્ટાફને અભિનંદન આપવા માગું છું. બહુ જ સુંદર ક્રિકેટ રમવા મળ્યું. અમે કેટલાક બોલ સારી રીતે ન રમ્યા. અમે જોરદાર પડકાર આપવાનો પ્રયાસ કર્યો. ભારત પાસે હાલની દુનિયાની શ્રેષ્ઠ ટીમ છે.”

પ્લેયર ઓફ મેચ અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયેલા બૂમરાહે મેચ પૂરી થયા બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું, ”આજનો દિવસ બહુ જ સારો રહ્યો. ધીમા બોલ પર પકડ મળી રહી હતી. આથી અમે એ રણનીતિ પર કામ કર્યું. મેં અને ભૂવીએ ઇનિંગ્સની શરૂઆત પહેલાં જ આ અંગે વાત કરી લીધી હતી.”

You might also like