ઓલરાઉન્ડરની કમી પૂરી કરી શકે છે હાર્દિક પંડ્યા

ધરમશાલાઃ ક્રિકેટમાં દરેક કેપ્ટનને ઓલરાઉન્ડરની જરૂર હોય છે. ભારત પાસે પણ હાલ રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન જેવા બે ઓલરાઉન્ડર છે, પરંતુ ટેસ્ટની સરખામણીએ આ બંને વન ડેમાં એટલા સફળ સાબિત થયા નથી. વિદેશી ધરતી પરની ફાસ્ટ પીચ પર આ બંને ઓલરાઉન્ડર ઉપર વન ડેમાં વધુ નિર્ભર રહી શકાય નહીં. ભારત પાછલાં ઘણાં વર્ષથી એક એવા ઓલરાઉન્ડરની શોધ કરી રહ્યું છે, જે બેટિંગની સાથે મધ્યમ ગતિથી બોલિંગ પણ કરી શકતો હોય. ટી-૨૦માં સારું પ્રદર્શન કર્યા બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ગઈ કાલે પોતાની પહેલી વન ડેમાં શાનદાર પ્રદર્શન કરીને હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડરની આ કમી પૂરી કરી દેવાના સંકેત આપી દીધા છે.
ભારતના જો સારા ઓલરાઉન્ડરની વાત કરવામાં આવે તો કપિલદેવ, મોહીન્દર અમરનાથ, વીનુ માંકડ, યુવરાજસિંહ અને ઇરફાન પઠાણનાં નામ નજર સામે આવે છે. સચીન, સૌરવ અને સેહવાગે પણ પોતાની કરિયર દરમિયાન કેટલાંક વર્ષોમાં સારી બેટિંગની સાથે સારી બોલિંગ પણ કરી હતી. ૧૬ ટી-૨૦ મેચમાં ૧૫ વિકેટ ઝડપવાની સાથે નીચલા ક્રમે બેટિંગ કરીને ૭૮ રન બનાવનારાે હાર્દિક ધોનીની ટીમને સંતુલન આપી શકે છે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલદેવે ગઈ કાલે હાર્દિકને ભારતીય ટીમની વન ડે કેપ અર્પણ કરી. ત્યાર બાદ હાર્દિકે વન ડે કરિયરની શરૂઆત કરી. પહેલી જ ઓવરમાં માર્ટિન ગપ્ટિલને આઉટ કરીને કરિયરની પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપનારા બોલર્સમાં પોતાનું નામ નોંધાવી દીધું. ગઈ કાલે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યા બાદ હાર્દિકે કહ્યું, ”કરિયરની પહેલી જ વન ડે મેચમાં આ અવોર્ડ હાંસલ કરવો મારા માટે બહુ જ ખાસ છે. હું આ ક્ષણને જિંદગીભર યાદ રાખીશ. હું બહુ જ ખુશ છું. શરૂઆતમાં થોડો નર્વસ હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા અને ઘરેલુ સિઝનમાં હું ઘણી બોલિંગ કરી ચૂક્યો છું. આથી મેં ઝડપી બોલ ફેંકવાને બદલે લાઇન-લેન્થથી બોલિંગ કરવા પર ધ્યાન આપ્યું હતું.”

You might also like