ઉતરાયણમાં પાટીદારો કાપશે મોદીનો પેચ : મોદી પતંગ સામે પાટીદાર પતંગ લોન્ચ

અમદાવાદ : ઉતરાયણ પર દરવર્ષે અવનવા પતંગો બજારમાં વેંચાતા જોવા મળે છે. ત્યારે આ વખતે ગુજરાતના આકાશમાં છવાઈ જવા માટે પાટીદારો સજ્જ છે. પાટીદારોને અનામત આપવાની માગણી બુલંદ કરવા માટે ઉતરાયણ પર ‘જય સરદાર, જય પાટીદાર’ લખેલા પતંગો મોટી સંખ્યામાં ગુજરાતના આકાશમાં ચગાવાશે.

આ માટે PAASના કન્વિનર હાર્દિક પટેલની હાજરીમાં શનિવારે પાટીદાર યુવાનો દ્વારા આ પતંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદયપુમાં આ લોકાર્પણ પ્રસંગે હાર્દિકે કહ્યું કે, સમાજમાં ઉત્સાહ જોઈને લડાઈ લડવા માટેનું જોશ મળે છે. હાર્દિકે ઉમેર્યું કે ગુજરાતમાં અત્યંત લોકપ્રિય તહેવાર ઉતરાયણ દરમિયાન પાટીદાર યુવાઓમાં ઉત્સાહ વધારવા માટે “પાટીદાર પતંગ” નું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને પાટીદારોએ રીતે પોતાની લાગણી વ્યક્ત કરશે.

‘જય સરદાર, જય પાટીદાર’ લખેલા પતંગો પર એવું લખાણ પણ લખવામાં આવ્યું છે કે, અનામત અમારો હક છે અને અમે તે આન, બાન, શાનથી મેળવીને રહીશું. જય સરદાર. હાર્દિક પટેલ 17 જાન્યુઆરીએ ગુજરાત આવે તે પહેલાં પાટીદારોમાં ઉત્સાહ પ્રેરવાના પ્રયત્નરૂપે આ લોકાર્પણ કરાયું છે.

You might also like