હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરાતા’જય સરદાર.. જય પાટીદાર’ના નારા લાગ્યા

સુરત : સોમવારના રોજ આરોપી હાર્દિક પટેલને નવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉપસ્થિત રહેલા પાસન કાર્યકર્તાઓએ જય પાટીદાર અને જય સરદારના ગગનચૂંબી સુત્રોચ્ચાર કર્યા હતા. જોકે, કોર્ટના એક કર્મચારીએ ઉમરા પોલીસનું ધ્યાન દોરતા તેમણે હું શું કરી શકું? તેવો ઉધ્ધત જવાબ આપતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઇ ગયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજદ્રોહના ગુનામાં સંકળાયેલા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલને સોમવારના રોજ ચાર્જશીટ મેળવવા બાબતે રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, તેને રજૂ કરવાના સમય પહેલાં જ પાસના ૫૦થી ૧૦૦ કાર્યકર્તાઓ કોર્ટમાં આવી પહોંચ્યા હતા. હાર્દિક પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યો તે દરમિયાન કોર્ટ સંકુલમાં પાટીદારોએ જય સરદારના ગગનચુંબી સુત્રોચ્ચારો કર્યા હતા.

જોકે, આ બાબતે કોર્ટના એક કર્મચારીએ ઉતરી પોલીસનું ધ્યાન દોરતા તેમણે હું શું કરી શકું? કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાવો? તેવી આડી અવળી વાત કરતા સંકુલમાં સન્નાટો છવાઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કોર્પોરેશનના કર્મચારીઓના કેસ બાબતે લોકટોળાએ કોર્ટ સંકુલમાં ધમાચકડી તથા સુત્રોચ્ચારો કર્યા હતા.

કોર્ટમાં ગંભીર પ્રકારના આરોપીઓ રજૂ કરતી વખતે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવો જોઇએ તેવો પોલીસ બંદોબસ્ત નહીં હોવાને કારણે ન્યાય પાલિકાના સંકુલનું વાતાવરણ ડહોળાય છે. તેવી ચર્ચાઓ પણ જોવા મળી હતી.

You might also like