‘હાર્દિક’ પછી ‘અભિનંદન’થી પણ ભાજપ પરેશાન!

રાજ્યની ભાજપ સરકાર દ્વારા અનેક ઉત્સવોની ઉજવણી કરાય છે ત્યારે સરકારી યોજનાઓ કે સિદ્ધિની સાથે નેતાઓની નિમણૂકને પણ સ્થાનિક સ્તરે ઊજવવા હરખપદૂડા કાર્યકરો હંમેશાં તલપાપડ હોય છે. આવી ઉજવણીમાં ક્યારેક તેઓ હાંસીપાત્ર પણ બને છે. અગાઉ પ્રદેશપ્રમુખની નિમણૂક બાબતે મનસુખ માંડવિયાના ચાહકોએ સત્તાવાર નિમણૂક પહેલાં જ તેમના પર અભિનંદનની વર્ષા વરસાવી હતી. પછીથી પ્રદેશપ્રમુખ તરીકે વિજય રૂપાણીનું નામ જાહેર થતા ચાહકો સાથે માંડવિયા પણ ક્ષોભમાં મુકાયા હતા.

હવે વિજય રૂપાણીએ જાહેર કરેલી નવી પ્રદેશ કારોબારીમાં મહામંત્રી તરીકે પાટણના કે. સી.પટેલની પુનઃવરણી થઈ. જેથી પાટણ જિલ્લા ભાજપના નેતાઓ-કાર્યકરોએ શુભેચ્છા પાઠવવા બગવાડા ચોકમાં આતશબાજીનો કાર્યક્રમ ગોઠવ્યો હતો ત્યારે કે.સી.પટેલના ફોટા સાથે જે બેનરો પ્રદર્શિત કરાયાં તેમાં મોટા અક્ષરે ‘અભિનંદન’ને બદલે ‘અભિનંદ’ લખેલું જોવા મળ્યું હતું. કાર્યક્રમ ચાલુ જ હોઈ ને આ અંગેની જાણ થતાં હાજર તમામ નેતાઓ-કાર્યકરો શરમમાં મુકાયા હતા અને તરત જ આવાં બેનરો સંતાડી દેવાયાં હતાં. પાછળથી પ્રદેશ મહામંત્રીએ કેટલાંક હરખપદૂડા નેતાઓને ઠપકો પણ આપ્યો હતો.

જોકે પાટીદાર અનામત આંદોલન પછી ભારતીય જનતા પાર્ટી જાહેર કાર્યક્રમોમાં ‘હાર્દિક’ શબ્દ ઉલ્લેખવાનું ટાળે છે. આથી જ ‘હાર્દિક’ પછી હવે ‘અભિનંદન’ શબ્દ પણ ભારતીય જનતા પાર્ટીને પરેશાન કરી રહ્યો છે, તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.

You might also like