Categories: Art Literature

હેમન્તનો પ્રાતઃકાલીન વૈભવ…

સૂતેલા માણસનો અહંકાર જાગતો હોય છે. કોણ કોને કેવી રીતે જગાડે છે એના પર આ મોસમના માધુર્યનો આધાર છે

 

શિયાળાનો છાને પગલે આરંભ થઇ ગયો છે. વહેલી સવારના ધુમ્મસમાં સંતાઇને સૂર્ય પૂર્વાકાશમાં પ્રવેશે છે. પ્રાતઃકાળે રસ્તાઓ પર અને વનવગડામાં મેઘરવો ઊતરી આવે છે. હવે પછીની ક્ષણ આમ તો કોઇનેય ક્યાં દેખાય છે? એનો ભૌતિક બોધ લઇને ધુમ્મસ આવે છે. આકાશ મીઠી ઝાંખપથી શોભી ઊઠે છે. સવાર, આપણા દિવસનો શિશુકાળ છે. ધુમ્મસની આરપાર સૂર્ય ડગમગ થતો ચાલતા શીખી ઉપર ચડવાની મથામણમાં હોય ત્યારે ક્ષિતિજો લાજવંતી બનીને પોતાના બાળકને જાણે કે પુખ્ત થતા જોઇને ફૂલો પરના ઝાકળમાં ખિલખિલ હસે છે. એક સાવ નવા જ પ્રકારની સવાર લઇને હેમન્ત ઋતુ જિંદગીનો આલાપ શરૃ કરે છે, વાતાવરણમાં હેમન્ત અને વર્ષાના અલગ મૌલિક અને ઊંચા આસન છે.

શિયાળો આમ તો એકાંતની ઋતુ છે. વર્ષામાં સદ્યસ્નાતા બનેલી પ્રકૃતિના દર્શને, ચાતુર્માસ પૂરા કર્યા પછી હવે તપસ્વીઓ વિહારમાં નીકળે છે. વાતાવરણમાં હોય જે તાજગી એ જ હોય શરીરમાં તો જ ખલુ ધર્મસાધનમ્ કહેવાય. નહિતર લાકડા માટેનો ભારો ઉપાડતા હોઇએ એવું લાગે. એક પંખીને આભમાં ઊડતા જોઇએ ને તાજગી આવી જાય. અંદાજે ૨૪૦૦ કિલોમીટરની લંબાઇમાં ધનુષ્ય આકારે પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી હિમાલયની પર્વતમાળાની બંને તરફ તળેટીમાં વસતી પ્રજા માટે શિયાળાનો આરંભ એક દિલધડક અનુભવ છે. પાંચ દેશોમાં ભુજાઓ ફેલાવી ભારત દર્શન કરતો આ નગાધિરાજ શિયાળાએ દેહ ધારણ કર્યો હોય તેવો શીતળ, આહ્લાદક અને સૌન્દર્યાન્વિત છે.

શિયાળાનું પ્રથમ ચિહ્ન છે સવારની મીઠી ઊંઘ, શયનપ્રીતિ. પ્રાતઃકાલીન સૂર્યનો સવિવેક અનાદર. માતા, પત્ની કે પુત્રી કોઇનો પણ સાદ ન સંભળાય એ શીતકાલીન બધિરતાનું જ બીજું નામ છે શિયાળો. તમને તમારામય કરવા શિયાળો ઘેરી લે છે. આમ તો નિદ્રા જ એક મોટું આશ્વાસન છે. આ સંસારમાં બહુસંખ્ય લોકો એવા છે કે જાગૃતિ એમને માટે નજર સામેના પડકારોને પહોંચી વળવા માટેની ઉપાધિ છે અને નિદ્રા જ એક આશ્વાસન છે. ઊંઘ ન જૂએ ઓટલો ને ભૂખ ન જૂએ રોટલો. એટલે કે ઊંઘ આવે ત્યારે અગવડની શી તમા? નિદ્રાનો આનંદ ચિત્તની પ્રસન્નતા પર નિર્ભર છે. જેમનામાં સંતોષ છે એમને

જાગૃતિમાં પણ વિશ્રામ હોય છે. દરેક પ્રકારની ભૂખ મનુષ્યને દોડાવે છે. ક્યારેક અસંતોષને પ્રગતિના ઉદ્દીપક તરીકે જોવામાં આવે છે. તો પણ જેનામાં જે છે તેમાં સંતોષ હોવાનો અતિ દુર્લભ ગુણ જોવા મળે તો માની લેવું કે તેઓ તેમની વ્યક્તિગત જિંદગીમાં આ નથી ને તે નથી-ના કોલાહલથી મુક્ત છે.

જેઓનામાં જિંદગીનો પરિતોષ છે જ તેઓની જાગૃતિ ઉત્સાહી હોય છે.

પરિતૃપ્તતા એ કદાચ એવો અનુભવ છે જે ઘણાને તો જીવનાંતે પણ પ્રાપ્ત થતો નથી. શિયાળાની સવારે, વહેલી સવારે શયનત્યાગ એ લોકો જ કરી શકે છે જેઓ જિંદગીને શાંત ચિત્તે ધારણ કરવાની કળા જાણે છે. તરફડ ઉત્પાત તો નિયતિ છે, એને ઓળંગીને જેમણે ઘટમાળ અને ઘટ બંનેને જાણી લીધા છે તેઓ જ પ્રથમ પોતાના મનના અને પછી આ જગના માણિગર થઇને રહે છે. કસોટીની વેળા માત્ર શિયાળાની વહેલી સવાર છે, એમાં બધું જ માર્કિંગ થઇ જાય છે.

શિયાળો વાંચન સુખનો વડલો છે ને ઘટાદાર છે. જેમની પાસે થોડા અને બહૂમૂલ્યવાન ગ્રંથો કે શાસ્ત્રગ્રંથો છે તેમને માટે શિયાળો નવી આબોહવાનો ઉઘાડ છે. તન-મનમાં એક સાથે તાજગી વરતાય છે. કયારેક કયારેક યોગ્ય પુસ્તકનું એક વાકય પણ મનના સાતમા ઓરડા સુધીની નિર્મળતા લાવી આપે છે, જાણે ધવલ-સ્વચ્છ મોગરા વચ્ચે જ ન વસતા હોઈએ! યૌવનને ઉંબરે આવી ઊભેલી વયઃસંધિતા પાસે તનકુસુમ છે, પરંતુ જેનું હૃદય પરમ નિર્મળ છે એની પાસે તો પ્રતિક્ષણ મનકુસુમ છે! એની સુગંધનો આ બ્રહ્માંડમાં કોઈ વિકલ્પ નથી.

સવારને પડતી મૂકવાની નથી, સવાર સરી ગઈ સ્વપ્નપરીની જેમ તો હેમન્ત ઋતુ પણ ગઈ સમજો. સૂર્ય પૂર્વમાં ઊંચે આવે પછી પ્રભાત પ્રાપ્ત થાય તો આપણે ઊંચે ન આવી શકીએ. એલાર્મ મૂકો, વહેલા જંપી જાઓ કે જગાડવા માટે કોઈ પગારદાર રાખો તોય શું? યેનકેન રીતે સૂર્યોદય પહેલાં દિનચર્યા આરંભો એ જ પોતપોતાનો શિયાળો છે. શીતકાલીન મોસમમાં મોડા ઉઠવાનો વિચાર સ્વાભાવિક છે પણ સ્વાગત કરવા યોગ્ય નથી. શિયાળાની ઠંડી વધે એટલે એક સાથે લાખો શૈયામાં જાગતા જ પડ્યા રહેતા લોકોની સંખ્યામાં અભિવૃદ્ધિ થાય છે. વૃશ્ચિકના ડંખ સાથે ઉઠતા લોકોને શાસ્ત્રમાં યોગી કહ્યા છે. તેમની નિદ્રા પૂરી થાય પછીની એક ક્ષણ પણ તેઓ શયનાસનમાં હોતા નથી. જાણે કે વીંછીએ ડંખ માર્યો હોય તેમ તેઓ પથારી છોડે છે, આ તેમનો નિત્યક્રમ હોય છે. શિયાળો જેમને માટે ઊંઘને જ મખમલી રજાઈ માની લેનારો નીવડે એમને માટે સાત રંગોના અશ્વો સાથે દોડી આવતો પ્રભાતનો પ્રભાકર નિરર્થક છે. ઘરના દીવાઓનું અજવાળું ઝાંખુ થાય (સૂર્યતેજને કારણે) એ પહેલાં આત્મદીપ પ્રજ્વલિત થઈ જવો જોઈએ. મધ્યકાળમાં સ્ત્રીઓને પરિશ્રમ અધિક રહેતો હશે. પ્રિયતમ પ્રથમ જાગી જતો હશે અને પ્રિયાને હળવે હાથે જગાડતો હશે. પંડિત પ્રભાકર કારેકરના મધુર સ્વરની સુપ્રસિદ્ધ મરાઠી રચના છે, ‘પ્રિયે હા રાત્રિચા સમય સરુનિ યેત ઉષઃકાલ હા… થંડગાર વાત સુટત, દીપતેજ મંદ હોત, દિગ્વદને સ્વચ્છ કરિત, અરુણ પસરિ નિજ મહા…………………’  પ્રિયતમ, પ્રિયાને કહે છે કે જરા સાંભળ તો ખરી, પંખીઓ મધુર શબ્દ ઉચ્ચારી રહ્યા છે, કોઇ કોઇ વિરલ પર્ણ, શાખાઓ પર પ્રગટ થવા લાગ્યા છે… અને જો સરોવરમાં કમળ ખીલવા લાગ્યા છે…

સૂતેલા માણસનો અહંકાર જાગતો હોય છે. શિયાળાની સવારે તો અહંકાર સઘન થઇ જાય છે. કોણ કોને કેવી રીતે જગાડે છે એના પર ઘણો આધાર છે. ઉક્ત મરાઠી પંક્તિઓમાં જગાડવાનો જે પ્રેમાળ અભિગમ છે તે જ એના અજ્ઞાત કવિને રાજમાર્ગ લાગે છે. મરાઠી પ્રજામાં આ રચના બહુ જ લોકપ્રિય છે. ઇ.સ. ૧૯૮૯માં બેનેટ કોલમેન એન્ડ કંપનીએ યોજેલા સંપૂર્ણ રાત્રિ નામક કાર્યક્રમમાં જ્યારે સવાર થવા આવી ત્યારે પ્રભાકર કારેકરે બુલંદ કંઠમાં આ રચના સંભળાવીને સહુને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા તેનું સ્મરણ છે. ત્યારથી આ રચનાએ મારા કંઠમાં માળો બાંધી લીધો છે.

આપણે ત્યાં પ્રભાતિયાંની જે પરંપરા છે તે પણ દિવસ શરૃ થાય તે પહેલાં આજની જિંદગી શરૃ કરી દેવાનો પુરસ્કાર કરે છે. પશુઓ અને પંખીઓથી મનુષ્ય જો પોતાને ‘સુપર નેચરલ એલિમેન્ટ’ નજીક માનતો હોય તો બે ડગલાં તો એમનાથી આગળ રહેવું પડે. મોડા ઉઠનારા લોકો મનુષ્યત્વથી આ રીતે જરાક આઘેરાક રહી જાય છે એટલું સ્વીકારવું રહ્યું.

અને શા માટે ન લૂંટવો હેમન્તનો ભરપૂર વૈભવ? ધુમ્મસમાં લપાઈ જતી ટેકરીઓની છાના અવાજની વાતો કેમ કાન ધરી ન સાંભળવી? પગ પકડીને કંઈક બોલવા રોકતી પૃથ્વી પર રચાયેલી તૃણસભાઓને કંઈ કહ્યા વિના ચૂપ રહેવું? કારના કાચ પર બાઝેલા ભેજને ક્યારેક આંખમાં રચાઈ જતા ભેજ સાથે ન સરખાવવો? આંખમાં જળનું આછું પડ રચાઈ જાય ત્યારે એ હર્ષ કે વિષાદના આછા વાદળને જેમ આપણા સિવાય કોઈ ન જાણે એમ આ આકાશ પણ અનુભવે ઘડીકના ધુમ્મસને કે? પવન તો લહેરલતા શો વીંટળાઈ જતો, પ્રાતઃ સંગિનીની લટને સ્પર્શીને જતો રહેતો પાછળના ઉદ્યાનમાં, કદાચ ગમતી કેશલતા માટે વેણીના ફૂલ વીણવા જ સ્તો! હારબંધ ઉડતી કુંજની દીર્ઘ લયાન્વિત રેખાને નિરખી તો ન શકીએ પણ એના કિલકારથી પડખું ફરતી દિશાઓનો અનુભવ તો લેવો ને!

રિમાર્કં-

જળ હતા તે આછર્યા  ને નભમાં થયો ઊઘાડ, પાસ હતા તે પાસ રહ્યા  ને દૂર ગયા પહાડ.

—————–.

લેખકશ્રીનું મેઇલ આઇડી – bhattdilip2000@gmail.com

———————————————–

Maharshi Shukla

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

8 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

8 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

8 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

8 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

8 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

9 hours ago