મજૂરની જેમ મહેનત કરો પણ જીવો અમીરની જેમ…

આજે પશ્ચિમના દેશોમાં યુવાનો અને યુવતીઓ એક પ્રકારની હતાશા અનુભવી રહ્યાં છે. તેમની ફરિયાદ એ છે કે તેમની પાસે કોઈ જીવનધ્યેય જ નથી. બધા જ લોકો વ્યક્તિગત કારકિર્દીની નિસરણી સર્કસમાં કામ કરતા વાનર કે સિંહની અદાથી ચઢતાં જોવામાં આવે છે, પણ તેમાં અંગત કે ધંધાદારી સ્વાર્થ સિવાયનો કોઈ ઉચ્ચતર હેતુ નથી. આવા સેંકડો યુવાનો સંન્યાસના માર્ગે વળી રહ્યા છે અને એ વળી સંગઠિત ધર્મના નામે ચાલતી સંસ્થાઓ કે પેઢીઓના બીજા ચક્કરમાં અટવાઈ પડ્યા હોય એવું લાગે છે.

આપણા દેશમાં સ્વરાજ પૂર્વે ગરીબી, બેકારી, અજ્ઞાન અને અત્યાચાર આજ કરતાં બેશક વિશેષ હતાં, પણ આપણે પરાધીન પ્રજા હોવા છતાં આપણા યુવાનો પાસે એક ધ્યેય હતું, આદર્શ હતો. એ આદર્શના કારણે કેટકેટલાં તેજસ્વી ચરિત્રો રચાયાં! લોહીનું નીચું દબાણ અને બીજા શારીરિક વ્યાધિઓ વચ્ચે પણ વૃદ્ધ મહાત્મા ગાંધીની ચાલમાં યુવાનનો થનગનાટ હતો. પ્લુરસી અને બીજા પ્રશ્નો છતાં જવાહરલાલ નહેરુ ૧૪-૧૪ વરસની જેલ (કટકે-કટકે) વેઠી શક્યા. સરદાર પટેલ પણ તબિયત અને કુટુંબના પ્રશ્નો છતાં એક લોખંડી પુરુષ તરીકે ઉપસી આવ્યા અને ભારતની એકતાના શિલ્પી બન્યા. સુભાષચંદ્ર બોઝને પણ કાળા તાવથી માંડીને અનેક બીમારીઓએ પરેશાન કર્યા હતા અને છતાં એ પણ એક અનોખા રાષ્ટ્રભક્ત અને પરાક્રમી પુરુષ તરીકે ખીલી ઊઠ્યા.

નામ આપવા બેસીએ તો છેડો ના આવે. મુદ્દો એ છે કે આપણી પાસે એક ધ્યેય હતું, એક આદર્શ હતો. આજે તદ્દન વિચિત્ર સ્થિતિ છે. આદર્શો અને ધ્યેય સૂત્રોમાં સમાઈ ગયાં છે. ધર્મના નામે વાત કરનારા સંતો-મહંતો વિશ્વધર્મ અને વિશ્વશાંતિની વાતો કરે છે, પણ પોતાના સંપ્રદાયના ચાર ચોકાનું એકીકરણ કરી શકતા નથી. જીવન અને સમાજ એકસરખી છિન્નભિન્ન છબીરૂપે દેખાય છે.

સવાલ એ છે કે આવી સ્થિતિમાં એક સામાન્ય માનવી શું કરે? શું કરી શકે? એ વધુ કાંઈ કરી શકે કે ના કરી શકે, પોતાના જીવનને બદલીને વધુ સાર્થક બનાવી શકે. અમેરિકાના મહાત્મા થોરો પેન્સિલ બનાવતા હતા. બિલકુલ શ્રમજીવીનું જીવન જીવતા હતા. સાદાઈથી જીવતા હતા, પણ એ સાદાઈમાં અમીરી શોભા હતી. હકીકતે વોશિંગ્ટન અને લિંકન જેવા અમેરિકાના મહાન પુરુષોનો જીવનમંત્ર એ જ હતો.

‘મજૂરની જેમ મહેનત કરો પણ અમીરની જેમ જીવો!’ અમીરની જેમ જીવવાનો અર્થ ઉડાઉપણે કે શ્રીમંતના વૈભવથી જીવવાનો નથી, પણ જે રીતે એક સારો રાજા કે ઉમરાવ મહેલમાં કે વનવાસમાં સાદાઈથી પણ ગૌરવથી જીવે એ રીતે જીવવામાં છે. આજે સામ્યવાદની વાત જૂનવાણી લાગવા માંડી છે, કેમ કે ખુદ રશિયામાં પણ એવાં જબરદસ્ત પરિવર્તનો આવ્યાં છે કે ઘણા બધા લોકો માને છે કે મૂડીવાદને કબર ભેગો કરવા નીકળેલો સામ્યવાદ પોતે જ કબરમાં પોઢી રહ્યો છે! લોકશાહી એક આદર્શ રાજવ્યવસ્થા છે, પણ તેમાં પણ માનવી માનવીની સમાનતા, શ્રમનું ગૌરવ, મૂડી અને મજૂરીની સંવાદિતા વગેરે પાયાની વાતો તો હોવી જોઈશે, નહીંતર આવો ‘મૂડીવાદ’ પણ લોકશાહીનું મહોરું પહેરીને લાંબું ચાલી નહીં શકે.

વાત ધર્મની હશે કે રાજકારણની, જ્યાં જ્યાં વ્યક્તિગત કે અમુક મંડળીના સ્વાર્થ ખાતર તેની મોટાઈ કે વૈભવને ખાતર બધો વહેવાર ચાલતો હશે ત્યાં છેવટે તેમાંથી કશું જ નીપજવાનું નથી. દેશકાળને ધરમૂળથી બદલી નાખવાનું કાંઈ એક સરેરાશ સામાન્ય માનવીના હાથમાં ના હોઈ શકે, પણ તે પોતે એટલું કરી શકે કે પોતાના જીવનને ભરણપોષણ અને કુટુંબરક્ષાની સપાટી પર ઊભા રહીને પણ કોઈક જીવનધ્યેયનો ધ્રુવ તારો નજર સામે રાખીને નવેસરથી ગોઠવે.

તાજેતરમાં અમેરિકામાં એક યુવાનને તેના પિતાએ પોતાના કારખાનાના મુખ્ય સંચાલકની જવાબદારી સોંપવા માંડી ત્યારે યુવાને એ જવાબદારી માથે લેવાની આનાકાની કરી. એના બદલે એણે કોઈ જાહેર સેવા તંત્રના સ્વયંસેવક થવાનું નક્કી કર્યું. યુવાનના પિતાને આશ્ચર્ય થયું. પિતાએ પુત્રને પૂછ્યુંઃ ‘પૈસા-ઈજ્જત-સવલતો બધું છોડીને તેં જે પસંદ કર્યું એમાં તને શું મળશે!’

યુવાને કહ્યુંઃ ‘તમે મને જે આપવા માગતા હતા તે અલબત્ત સોનાની ઈંટ હતી, પણ તેનો ઉપયોગ હું મારા ઘરની તિજોરી બહાર ક્યાંય કરી શકત નહીં. મારે એવી ઈંટ જોઈએ છે કે જે કોઈકના ચણતરમાં કામ લાગે. તમે મને જમીન ઉપર રાજાની જેમ ઊભા રહેવા માટે એક ‘બેઠક’ આપી રહ્યા હતા-મારે તો આકાશની આકાંક્ષા છે-જ્યાં હું ઊડી શકું, પાંખો ફેલાવી શકું, ઈશ્વરે અને માણસે સર્જેલું સૌંદર્ય જોઈ શકું! એરકન્ડિશન્ડ બેડરૂમના બદલે હું કાદવકીચડ નજીક જઈ રહ્યો છું તે સાચું છે, પણ ત્યાં ડહોળા પાણીમાં પણ હું આકાશનું પ્રતિબિંબ જ શોધીશ અને એ જોઈ શકું તે માટે પાણીને સ્વચ્છ કરવા મથીશ!’ પુત્રને પિતા કંઈ કહી ના શક્યા. પુત્રની વાતમાં સચ્ચાઈનો એક રણકો હતો.
– લેખકના પુસ્તકમાંથી

You might also like