‘એવું લાગ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મારી સાથે ભોજન લીધું’

નવી દિલ્હીઃ હાલ ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલાે સ્પિનર હરભજનસિંહ કોઈ ને કોઈ વાતે સમાચારોમાં ઝળકતો રહે છે. આ વખતે તેણે જીએસટીને લઈને એવું ટ્વિટ કર્યું છે, જે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. ભજ્જીએ ટ્વિટમાં લખ્યું છે, ”રેસ્ટોરાંમાં બિલનું પેમેન્ટ કરતી વખતે એવું લાગ્યું કે જાણે મારી સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ ભોજન લીધું છે.”
ગત ૧ જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ સમગ્ર દેશમાં અન્ય ટેક્સીસને ખતમ કરી દેવામાં આવ્યા અને હવે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી જ અમલમાં છે. નવા નિયમ પ્રમાણે રેસ્ટોરાંમાં ૧૨ ટકા જીએસટી અને ૧૮ ટકા સેગ્મેન્ટ ટેક્સ ચાર્જ કરાય છે. એવું નથી કે જીએસટીનો નિયમ બધી જ હોટલ અને રેસ્ટોરાંમાં લાગુ કરાઈ રહ્યો છે. આ નિયમ એના પર જ લાગુ છે, જેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય.

ભજ્જીનું આ ટ્વિટ કેન્દ્ર સરકાર માટે ભજ્જીના હથિયાર ‘દૂસરા’થી કમ નથી. હવે જોવાનું એ રહે છે કે સત્તા પક્ષ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ…

You might also like