પ્રકાશનું પર્વ દીપોત્સવ અર્થાત્ તમસો મા જ્યોતિર્ગમય

ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન રહી છે. આપણા દરેક પર્વનું આધ્યાત્મિક તેમજ સામાજિક મહત્ત્વ છે, તો દરેક પર્વનો સંદેશ પણ શુભ સંકેત આપનાર હોય છે. પર્વ જીવનને તેજોમય કરીને ઉન્નત ગતિ કરવાની પ્રેરણા આપે છે. પ્રકાશનું પર્વ દીપોત્સવ પણ તમસો મા જ્યોતિર્ગમય એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું દિશાસૂચન કરે છે
દીપાવલિ શબ્દ દીપ અને આવલીની સંધિ પરથી બન્યો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દીપાવલિ. દરેક તહેવારોની સરખામણીમાં દીપાવલિનું માહાત્મ્ય વધુ છે, તેથી જ દિવાળીને પર્વનો રાજા કહેવામાં આવે છે. દિવાળીની સાથે પર્વની એક હારમાળા શરૂ થઈ જાય છે. વાઘ બારથી લઈને ભાઈબીજ સુધી તહેવાર ચાલે છે. દિવાળી સાથે રામ રાજ્યાભિષેકની કથા જોડાયેલી હોવાથી પણ આ પર્વનું મહત્ત્વ વધી જાય છે. કહેવાય છે કે દિવાળીના દિવસે જ ચૌદ વર્ષના વનવાસને પૂર્ણ કરીને રામચંદ્ર ભગવાન અયોધ્યા આવ્યા હતા. પ્રજાના પરમ પ્રિય રાજા અને અયોધ્યાનું હૃદય કહેવાતા શ્રીરામના આગમનમાં અમાસની અંધારી રાતને લોકોએ ઘીના દીવા કરીને રોશન કરી દીધી હતી. આખીય અયોધ્યા નગરીને ઘીના દીવાથી સુશોભિત કરવામાં આવી હતી અને કાળી અંધારી અમાસ જાણે પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઊઠી હતી. રામાયણના સમયથી લઈને આજ સુધી આ દિવસને સમગ્ર ભારત પ્રકાશના પર્વના રૂપમાં મનાવે છે. સત્યની હંમેશાં જીત થાય છે. અંધકાર ઓગળે છે અને પ્રકાશરૂપી પ્રભાત થાય છે એ વિશ્વાસ સાથે જ દીપોત્સવના દીપક ઘરમાં પ્રગટાવવામાં આવે છે અને આ સકારાત્મક વિચારધારા સાથે મનમાંથી હતાશારૂપી અંધકાર દૂર કરીને મનને ઓજસ-તેજસથી સંપન્ન કરવાની પ્રેરણા આપવામાં આવે છે.
દીપાવલિની ઉજવણી પાછળ અલગ અલગ કથાઓ અને દૃષ્ટિબિંદુ જોવા મળે છે. આ દિવસે રામ ભગવાન રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા તે ખુશીમાં રામભક્તો દિવાળીની ઉજવણી કરે છે.
…તો કૃષ્ણધારા ભક્તિના લોકોનો મત છે કે કાળી ચૌદશ દિવસે જ શ્રીકૃષ્ણ ભગવાને અત્યાચારી રાજા નરકાસુરનો વધ કર્યો હતો.
પાપી નરકાસુરના ત્રાસમાંથી મુક્તિ મળતાં બીજા દિવસે લોકોએ ઘીના દીવા પ્રગટાવીને દિવાળી મનાવી હતી. એક પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના સંદર્ભે પણ લક્ષ્મી પૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે. જૈન ધર્મની વાત કરીએ તો તેમના માટે આ દિવસ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનું નિવાર્ણ દિવાળીના દિવસે જ થયું હતું. અમૃતસરના સુવર્ણમંદિરનો શિલાન્યાસ પણ દિવાળીના દિવસે જ કરવામાં આવ્યો હતું. તદુપરાંત શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહને દિવાળીના દિવસે જ જેલમાંથી મુક્તિ મળી હતી. આ રીતે શીખ ધર્મના દિવાળીના દિવસે જ બે મહત્ત્વપૂર્ણ ઘટના બની હોવાથી શીખ લોકો માટે પણ આ પર્વનું ધાર્મિક માહાત્મ્ય છે.•

You might also like