હેપી બર્થડે ટુ Rahul Gandhi: 48 વર્ષના થયા કોંગ્રેસ અધ્યક્ષઃ PM મોદીની શુભેચ્છા

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે ૪૮મો જન્મદિવસ છે. કોંગ્રેસ કાર્યકરો સમગ્ર દેશમાં પોતાના નેતાઓ બર્થ ડે ધામધૂમપૂર્વક ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. ૧૯ જૂન ૧૯૭૦ના રોજ જન્મેલા રાહુલ ગાંધીએ ર૦૦૪માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાલ તેઓ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે પોતાની રાજનીતિ સંપૂર્ણપણે બદલી નાખી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા આપતાં ટ્વિટ કરીને લખ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. હું તેમન દીર્ઘાયુષ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે કામના કરું છું.

રાહુલ ગાંધીના જન્મદિવસ પ્રસંગે આજે કોંગ્રેસ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ યુથ કોંગ્રેસના પદાધિકારીઓ સાથે કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીને મળ્યા હતા અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આજે સાંજે પ-૩૦ કલાકે દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસ રાહુલ ગાંધીના જન્મદિને દિલ્હી મેરેથોનનું આયોજન કર્યું છે. આ મેરેથોનમાં કોંગ્રેસના કાર્યકરો અને જાણીતા એથલિટ્સ અને ખેલાડીઓ ભાગ લેશે.યુથ કોંગ્રેસે આ મેરેથોનને ‘રન ફોર એમ્પ્લોઇમેન્ટ એન્ડ વીમેન સેફટી’ એવું નામ આપ્યું છે.

આ મેરેથોન રાયસેના રોડ સ્થિત ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યાલયથી શરૂ થઇને કોંગ્રેસના કાર્યાલય સુધી જશે. ગઇ સાલ પક્ષનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાત અને કર્ણાટકમાં જે રીતે પક્ષને ચૂંટણી લડાવી હતી અને ભાજપનો કટ્ટર મુકાબલો કર્યો હતો તે જોતાં હવે કોંગ્રેસ કાર્યકરોમાં નવા પ્રાણ ફુંકાયા છે. ૧૪ વર્ષ પહેલાં રાજનીતિમાં પદાર્પણ કરવાથી કોંગ્રેસ અધ્યક્ષ બનવા સુધીની મજલ કાપતાં રાહુલ ગાંધીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. તેમણે રાજનીતિની પદ્ધતિ પણ બદલી છે.

You might also like