હેપી બર્થડે GST: હજુ પણ ‘ગુડ્સ સેડ ટેક્સ’

અમદાવાદ: એક દાયકા કરતા પણ વધુના જીએસટી સંદર્ભે વિવાદ વચ્ચે પાછલા વર્ષે જુલાઇ મહિનામાં આખરે જીએસટીનો અમલ કરાયો, જેને એક વર્ષ પૂરું થઇ રહ્યું છે.  શરૂઆતમાં વેપારીઓએ, ટેક્સ પ્રેક્ટિસનરોએ તથા રાજકીય પક્ષોએ પણ જીએસટી બાદ ઊભા થયેલા પ્રશ્નના પગલે કાગારોળ મચાવી હતી.

જેમાં ટેક્સટાઇલ સહિત કેટલાય સેક્ટરના વેપારીઓએ હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું, જોકે ત્યાર બાદ જેમ જેમ પ્રશ્નો ઊભા થયા તેમ તેમ સરકારે પણ કાંઇક અંશે પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા, જેમાં સરકારે પોર્ટલ પરની રિટર્ન ભરવા સહિતની ખામીઓ દૂર કરી. લેટ રિટર્ન ફીમાં ઘટાડો કર્યો. એટલું જ નહીં ૧૭૬ ચીજવસ્તુ પરના ટેક્સના દરમાં ઘટાડો કર્યો.

હજુ પણ સરકાર સામે અનેક પડકારો ઊભા છે, જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા વેપારીઓને સૌથી વધુ મુશ્કેલીઓ પડી રહી છે. ૫૦ કોમોડિટી એવી છે જેના દર હજુ ઊંચા છે. રિફંડનો પ્રશ્ન ઊભો જ છે. આ બધા જ પ્રશ્નો વચ્ચે જીએસટીને એક વર્ષ પૂરું થઇ રહ્યું છે ત્યારે આગામી જુલાઇ મહિનામાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સરકાર હવે વેપારીઓને રાહત મળે તે માટે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

એક વર્ષ બાદ હજુ પણ પહાડ જેવા પડકારો ઊભા છે

  • જીએસટી હજુ પણ જટિલ ટેક્સ સિસ્ટમ છે.
  • સિમેન્ટ, પેઇન્ટ્સ સહિત હજુ પણ ૫૦ જેટલી જરૂરિયાતની કોમોડિટી છે કે જેના ઉપર ૨૮ ટકા જેટલો ઊંચો દર લાગે છે.
  • હજુ પણ સમયસર જીએસટી રિટર્ન ન ભરનારને રૂ. ૫૦ લેટ ફી ભરવી પડી રહી છે.
  • વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ-આઇટીસી મેળવવામાં સૌથી વધુ સમસ્યા છે.
  • ૧ એપ્રિલથી ઇ-વે બિલનો અમલ થયો. હજુ પણ કેટલાક કિસ્સામાં બિલ જનરેટ થવામાં મુશ્કેલી અનુભવવી પડી રહી છે, જેમાં ખાસ કરીને ‘બિલ ટુ શિપ ટુ શિપ’ એટલે કે ગુજરાતનો વેપારી મહારાષ્ટ્રના વેપારીને કહે કે માલ મોકલી આપે ત્યારે ઇ-વે બિલ જનરેટ થવામાં મુશ્કેલી અનુભવવી પડી રહી છે.
  • હજુ પણ ઘણા વેપારી ટ્રાન્સવન-સ્ટોક ક્રેડિટ અને ટ્રાન્સફર ભરવામાં રખડી પડ્યા છે.
  • એડ્વાન્સ રૂલિંગનો પ્રોબ્લેમ છે. રાજ્ય જુદા જુદા ચુકાદા આપે છે, જેને લઇને નેશનલ લેવલે એક જ ઓથોરિટી હોવી જોઇએ.
  • નોંધણી નંબરની અરજી દફ્તરે થઇ ગઇ છે તે લોકોના કેસમાં અપીલ કરી છે. અપીલનો છ મહિનાથી નિકાલ નથી આવ્યો.
  • એન્ટી પ્રોફિટરિંગની ગાઇડલાઇનનો મિસયુઝ થઇ રહ્યો છે.
  • ખરીદીનાં રિટર્ન અંગેની કોઇ વિગતો સરકારે બહાર નથી પાડી.
  • જીએસટી બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે તેવી વાતો થતી હતી, પરંતુ ભાવમાં કોઇ જ ઘટાડો થયો નથી. તેથી ઊલટું ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે.
  • રિવર્સ ચાર્જ મિકેનિઝમને ત્રણ મહિના પાછું ઠેલ્યું છે, પરંતુ તેની ક્લેરિટી આવી નથી.
  • રિવાઇઝ રિટર્ન કે રેક્ટિફિકેશનની કોઇ સુવિધા નથી. કોઇ ભૂલ થઇ હોય તો સુધારાને કોઇ અવકાશ નથી.
  • સરકારે રિફંડનાં અભિયાન ચલાવ્યાં છે, પરંતુ રિફંડનો બહુ મોટો ઈશ્યૂ છે.
  • એડ્રેસમાં ફેરફાર થયો હોય તો ઓનલાઇન જાણ કરવાની હોય છે, પરંતુ હજુ પણ ઘણી યુટિલિટી ઓપન થઇ નથી.
  • રિફંડ માટે વેપારીને કચેરીએ બોલાવવામાં આવે છે, જેનાથી વેપારીનાં સમય-શક્તિ બંનેનો ખર્ચ થાય છે એટલું જ નહીં, સમયસર રિફંડ નહીં મળવાના કારણે વર્કિંગ કેપિટલની અછત ઊભી થાય છે.

જીએસટીના અમલને એક વર્ષ થઈ ચૂક્યું છે. શરૂઆતમાં જેન્યુઇન તકલીફ થઇ હતી, પરંતુ સરકારે જેમ સમય જતો ગયો તેમ પ્રશ્નો ઉકેલ્યા પણ છે. વેપારીઓ પણ તેનાથી હવે ઘડાઇ ચૂક્યા છે. લાંબા ગાળા માટે જીએસટી ખૂબ ફાયદાકારક છે.
જયમીન વસા, પ્રેસિડેન્ટ, જીસીસીઆઇ

સરકારે ટેક્સ સિસ્ટમ સરળ બને તે માટે પ્રયત્ન કર્યા

  • જુલાઈમાં શરૂઆતમાં પોર્ટલ ઉપર ટેક્નિકલ ખામી હતી તથા સર્વર પણ ખૂબ જ ધીમું હતું તેની સમસ્યા કેટલાક અંશે દૂર કરવામાં આવી છે.
  • વેપારીને જીએસટી ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને ટેક્સટાઇલ માર્કેટ સહિત અન્ય માર્કેટમાં મોકલવામાં આવતા હતા તથા વેપારીઓને સમજણ આપવામાં આવતી હતી.
  • સરકાર સમયસર રિટર્ન ન ભરનાર પાસેથી અગાઉ ૨૦૦ રૂપિયા લેટ ફી વસૂલતી હતી તેમાં નવેમ્બરના સમયગાળામાં ઘટાડો કરી રૂ. ૫૦ની કરી છે, પરંતુ વેપારીઓની માગ છે કે તે ફી બંધ કરવી જોઇએ.
  • ૧૫ નવેમ્બરના રોજ ૧૭૬ ચીજવસ્તુઓ કે જેના ઉપર ૨૮ ટકા જીએસટી લાગતો હતો તેમાં ઘટાડો કરીને ૧૮ ટકા કર્યો છે.
  • ટેક્સટાઇલ સેક્ટરમાં જોબવર્ક પર અગાઉ ૧૮ ટકા ટેક્સ લાગતો હતો તેમાં ઘટાડો કરી આઠ ટકા કર્યો છે.
  • એસી રેસ્ટોરાં પર ૧૮ ટકા અને નોન એસી રેસ્ટોરાં પર ૧૨ ટકા જીએસટી લાગતો હતો તેના બદલે હવે પાંચ ટકા એકસરખો જ ટેક્સ લાદી રાહત આપી છે.
  • રિફંડનું સપ્તાહ ઊજવી રિફંડ ક્લેમ સેટલ કર્યા છે, જેમાં પાછલા દસ દિવસમાં ૯૦૦ કરોડનાં રિફંડનાં ચૂકવણાં કર્યાં છે.
  • ૧ એપ્રિલથી ઇ-વે બિલનો અમલ શરૂ કર્યો છે. અગાઉ કેટલીક બિલ જનરેટ કરવાની ખામીઓ હતી તે સરકારે દૂર કરી છે.
  • નિકાસકારોનાં રિફંડ ચૂકવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

GSTના અમલ બાદ વેપારીઆલમમાં ભારે આક્રોશ જોવાયો હતો
જીએસટીના અમલ બાદ શરૂઆતમાં વેપારીઆલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખાસ કરીને કાપડ ઉપર અગાઉ ટેક્સ ન હતો તેના પર ટેક્સ લદાતાં ટેક્સટાઇલ સેક્ટરમાં તેનો ભારે વિરોધ થયો હતો.

શરૂઆતમાં અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર પણ ઉગામાયું હતું. હાર્ડવેર સહિત કેટલાય સેક્ટરના વેપારીઓએ હડતાળ પાડી હતી, જોકે ત્યાર બાદ સરકાર તથા જીએસટીના અધિકારીઓ સાથે બેઠક બાદ આક્રોશ શાંત પડ્યો હતો.

જીએસટીને એક વર્ષ પૂરું થયું છે. હજુ પણ ટેક્સ સિસ્ટમ જટિલ છે. રિફંડ સહિત રૂ. ૫૦ લેટ ફી ભરવી પડી રહી છે. ઇ-વે બિલના પ્રોબ્લેમ છે તથા વેપારીઓને ટેક્સ ક્રેડિટ મેળવવામાં સૌથી વધુ સમસ્યા છે. સરકારે આ પ્રશ્નો હળવા કરવા જોઇએ.
વારીશ ઈશાની, પૂર્વ પ્રેસિડેન્ટ, ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશન

You might also like